સીબીલ સ્કોર વધારવાની લાલચ આપી ગઠિયાએ ક્રેડિટ કાર્ડથી ૭ લાખના ટ્રાન્ઝેક્શન કર્યાં
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, શહેરના એલિસબ્રિજમાં રહેતી એક મહિલા અગાઉ જ્યાં નોકરી કરતી હતી ત્યાં બાજુની ઓફિસમાં એક યુવક ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગનું કામ કરતો હતો. તેણે મહિલાને ક્રેડિટ કાર્ડમાં વધારે ટર્ન ઓવર સ્કોર કરવાથી બેંકનો સીબીલ સ્કોર સારો થશે તેવી લાલચ આપી હતી.
મહિલાને હોમલોન માટે સીબીલ સ્કોર ઓછો હોવાથી તે લાલચમાં ફસાઇ હતી અને તેણે ત્રણ કાર્ડ આ ગઠિયાને આપી દીધા હતા. ગઠિયાએ ૭ લાખ મેળવી લઇને કાર્ડ કે નાણાં પરત ન આપતા આખરે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એલિસબ્રિજમાં આવેલી આંબેડકર કોલોનીમાં રહેતા પૂનમબેન રાજપૂત સ્કીલ ડેવલપમેન્ટ ક્લાસીસમાં ટીચર છે.
અગાઉ તે સીજી રોડ પર જે જગ્યાએ નોકરી કરતા હતા ત્યાં બાજુની ઓફિસમાં દેવાંગ ભદ્રેશા નામનો યુવક ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગનું કામ કરતો હતો. દેવાંગે પૂનમબેનને ક્રેડિટ કાર્ડમાં વધારે ટર્ન ઓવર કરવાથી બેંકનો સીબીલ સ્કોર સારો થશે તેવી લાલચ આપી હતી. બાદમાં તમે કાર્ડનો ઉપયોગ ના કરતા હોવ તો મને આપો તેમ કહેતા પૂનમબેન તેની વાતોમાં આવી ગયા હતા.
પૂનમબેનને નવા મકાનની હોમ લોન માટે સીબીલ સ્કોર ઓછો હોવાથી તેમણે ત્રણ ક્રેડિટ કાર્ડ દેવાંગને આપ્યા હતા. દેવાંગે કહેલા સમય મુજબ કાર્ડ પરત ન આપતા પૂનમબેને સ્ટેટમેન્ટ કઢાવ્યું તો ૭ લાખના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું.
જેથી દેવાંગને ફોન કરતા તેણે રકમ બેન્કમાં ભરી આપવાનું કહીને ગલ્લા તલ્લા કર્યા હતા. તેવામાં પૂનમબેનને રિકવરી માટે ફોન આવવા લાગ્યા હતા. જેથી પૂનમબેને આ દેવાંગના ઘરે તપાસ કરી તો તેની પત્ની શ્રેયા મળી આવી હતી. શ્રેયાએ પૂનમબેનને ધમકી આપતા દંપતી સામે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.
