Western Times News

Gujarati News

ગુજરાત અને ફિનલેન્ડ વચ્ચે સ્ટાર્ટઅપ, શિક્ષણ અને રિન્યુએબલ એનર્જીમાં સહયોગના દ્વાર ખુલ્યા

ભૂપેન્દ્રભાઈ પટેલે ફિનલેન્ડના રાજદૂતનું કર્યું સ્વાગત : -અમદાવાદમાં ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ કાર્યરત થતા સંબંધો મજબૂત બન્યા : ગુજરાતની હેપીનેસ ઇન્ડેક્સ અને ફિનિશ સ્કૂલ સિસ્ટમમાં રસ

ગાંધીનગર, મંગળવાર, ૧૦ જૂન ૨૦૨૫: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં ફિનલેન્ડના રાજદૂત કિમ્મો લાહદેવીર્તાએ ગાંધીનગરમાં લીધી હતી. આ મુલાકાતથી ગુજરાત અને ફિનલેન્ડ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે નવી તત્પરતા જોવા મળી છે.

ફિનલેન્ડમાં ગુજરાતના ઉદ્યોગ-રોકાણકારોને વેગ આપવા સાથે ફિનલેન્ડ-ભારત અને ગુજરાત વચ્ચે શિક્ષણ, સસ્ટેઈનેબિલિટી અને ડેવલપમેન્ટ માટેના પ્રયાસોને વેગવાન બનાવવાના હેતુથી અમદાવાદમાં ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ કાર્યરત કરવામાં આવી છે. આ ઓફિસમાં કુલીન લાલભાઈની માનદ કોન્સ્યુલેટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

ફિનલેન્ડના રાજદૂત તેમના પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતની મુલાકાતે આવેલા છે. તેમણે કુલીન લાલભાઈ અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફિનલેન્ડે હેપીનેસ ઇન્ડેક્સ અને સ્કૂલ એજ્યુકેશનમાં મેળવેલી સિદ્ધિ વિશે જાણવામાં અને ફિનલેન્ડમાં કાર્યરત ફિનિશ સ્કૂલ સિસ્ટમનો અભ્યાસ કરવામાં ગુજરાતની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ગુજરાત આજે શિક્ષણ અને સ્ટાર્ટઅપ સેક્ટરમાં અગ્રેસર છે. સ્ટાર્ટઅપને ફંડિંગ અને માર્કેટ સપોર્ટ આપીને આત્મનિર્ભર બનાવવા સરકાર સહયોગ કરે છે.

ભૂપેન્દ્રભાઈ પટેલે ફિનલેન્ડ પણ સ્કિલિંગ અને શિક્ષણના ક્ષેત્રોમાં જે તજજ્ઞતા ધરાવે છે તેનો લાભ રાજ્યના સ્ટાર્ટઅપને સ્કેલઅપ કરવામાં મળે તે માટે ગુજરાત-ફિનલેન્ડ વચ્ચે સ્ટાર્ટઅપ કો-ઓપરેશનમાં રસ દાખવ્યો હતો.

ફિનલેન્ડના રાજદૂતે પણ ગુજરાતે રિન્યુએબલ એનર્જી, ગ્રીન ટ્રાન્ઝિશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ઇકોસિસ્ટમ ઊભી કરી છે તેની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ૧૦ જેટલી ફિનિશ કંપનીઓ કાર્યરત છે અને અન્ય કંપનીઓએ રોકાણ-કારોબાર માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે. તેમણે ગુજરાતની તેમની આ મુલાકાતને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, અમદાવાદમાં ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ કાર્યરત થતાં ગુજરાત-ફિનલેન્ડના સંબંધોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે.

આ મુલાકાત બેઠક દરમિયાન ગુજરાત-ફિનલેન્ડ વચ્ચે રિન્યુએબલ એનર્જી, સ્કિલિંગ, સ્ટાર્ટઅપ કો-ઓપરેશન અને શિક્ષણના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગથી આગળ વધવાની દિશામાં ફળદાયી પરામર્શ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી ઉપરાંત એનર્જી સ્ટોરેજમાં પણ ફિનલેન્ડ આગળ વધી શકે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ તેમજ અન્ય અગ્રણીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.