Western Times News

Gujarati News

વર્લ્ડ ટેસ્ટની ફાઇનલમાં ઓસી. સામે સાઉથ આફ્રિકન બોલર્સનું વર્ચસ્વ

સ્મિથ-વેબસ્ટરની લડાયક રમત

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ઠંડા હવામાનનો લાભ ઉઠાવવાના ઇરાદાથી ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું

લંડન,કેગિસો રબાડા અને માર્કાે યાનસેનની વેધક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન બેટર્સ શરણે થઈ જતાં બુધવારથી અહીંના લોડ્‌ર્ઝ ખાતે શરૂ થયેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાનું વર્ચસ્વ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમ ૨૧૨ રનના સામાન્ય સ્કોરે આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથ અને બેઉ વેબ્સ્ટરે અડઘી સદી ફટકારી હતી તો સાઉથ આફ્રિકા માટે રબાડા અને યાનસેને મોટા ભાગની વિકેટો ખેરવી હતી.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ઠંડા હવામાનનો લાભ ઉઠાવવાના ઇરાદાથી ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન ટેમ્બા બાવુમાનો આ નિર્ણય યોગ્ય ઠર્યાે હતો કેમ કે સાતમી ઓવરમાં ૧૨ રનના કુલ સ્કોરે કાંગારું ઓપનર ઉસ્માન ખ્વાજા આઉટ થઈ ગયો હતો. કેગિસો રબાડાને તેને આઉટ કર્યાે ત્યાં સુધીમાં ખ્વાજા ૨૦ બોલ રમવા છતાં એકેય રન કરી શક્યો ન હતો. એ જ ઓવરમાં રબાડાએ ટીમને બીજી સફળતા અપાવતાં કેમરૂન ગ્રીનને પણ પેવેલિયનમાં મોકલી આપ્યો હતો.

આમ ઓસ્ટ્રેલિયાએ એક જ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટિવ સ્મિથ અને મેરનસ લબુશેને રકાસ અટકાવવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ હવે યાનસેનનો વારો હતો. તેણે લબુશેન અને ટ્રેવિસ હેડને ઉપરા ઉપરી આઉટ કરી દેતાં ઓસ્ટ્રેલિયાએ ૬૭ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. દિવસના પ્રથમ સત્રમાં સાઉથ આફ્રિકન બોલર્સ છવાયેલા રહ્યા હતા. જોકે અનુભવી સ્ટિવ સ્મિથ અને બેઉ વેબસ્ટરે મળીને કાંગારું ટીમ માટે સારી લડત આપી હતી અને સ્કોર ૧૪૬ સુધી પહોંચાડી દીધો હતો.

૧૧૭મી ટેસ્ટ રમી રહેલા સ્ટિવ સ્મિથની હાજરીથી થોડો ફરક પડી ગયો હતો પરંતુ પોતાની ટેસ્ટ કારકિર્દીની ૪૨મી સદી પૂરી કર્યા બાદ જ્યારે એમ લાગતું હતું કે આ ૩૬ વર્ષીય બેટર ૩૭મી સદી ફટકારશે ત્યારે એઇડન માર્કરમે સાઉથ આફ્રિકાને સફળતા અપાવી હતી અને આ ભાગીદારીનો અંત આણ્યો હતો. સ્ટિવ સ્મિથ ૧૧૨ બોલમાં દસ ચોગ્ગા સાથે ૬૬ રન ફટકારીને આઉટ થયો હતો.સ્મિથની વિકેટ બાદ ઓસ્ટ્રેલિયાનો આધાર બેઉ વેબ્સ્ટર પર હતો અને તેણે ટીમનો સ્કોર ૨૦૦ને પાર કરાવવામાં મદદ કરી હતી.

અંતે રબાડાની બોલિંગમાં તે ૭૨ રનની લડાયક ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. વેબસ્ટરે ૯૨ બોલની ઇનિંગ્સમાં ૧૧ ચોગ્ગા ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકા માટે કેગિસો રબાડા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે પાંચ વિકેટ ઝડપી હતી તો માર્કાે યાનસેને તેને પર્યાપ્ત સપોર્ટ આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.