રિલીફ રોડના મોબાઇલ માર્કેટમાં ક્રાઇમ બ્રાંચનું મેગા સર્ચ ઓપરેશન

મોબાઈલ-સીમ વેચાણ અંગે તપાસ
શહેરમાં મોટા પ્રમાણમાં વેચાતા પ્રિ એક્ટીવ સીમ કાર્ડ, વગર ડોક્યુમેન્ટે મળતા સીમ પોલીસ માટે ચિંતાનો વિષય
અમદાવાદ,રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જ સલામતીના ભાગ રૂપે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રિલીફ રોડના મૂર્તિમંત મોબાઇલ માર્કેટ પર દરોડા પાડીને મોબાઇલ ખરીદ-વેચાણની વિગતો ચેક કરી હતી. વર્તમાન સમયમાં પ્રિ એક્ટીવ અને ડોક્યુમેન્ટ વગર જ આપી દેવાતા સીમ કાર્ડ પોલીસ માટે ચિંતાનો વિષય છે. માટે આવા કોઇ સીમનો વેપલો થયો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. ઘણી દુકાનોમાં બિલ વગર જ મોબાઇલ વેચવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી હતી.
જેને પગલે તેની તપાસ ચાલી રહી છે. થોડા સમય પહેલા જ પ્રિ એક્ટીવ સીમ દેશની સરહદ પર આપી દેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેને પગલે હવે પોલીસ એક્ટિવ બની ગઇ છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો દુરુપયોગ થઇ રહ્યો છે ત્યારે તેનો વેપલો કયા વેપારીઓ કરી રહ્યા છે. તેની પણ પોલીસ વિગતે તપાસ કરી હતી.કોઇ પણ ધમકી ભર્યાે કોલ આવે અને પોલીસ તપાસ કરે ત્યારે જે ભાઇ કે બહેનના નામ સીમ કાર્ડ રજિસ્ટર્ડ થયું હોય તેને ખબર જ નહોય.
પોલીસ ઝીણવટભરી તપાસ કરે ત્યારે જાણવા મળે કે રોડ પર સીમકાર્ડની હાટડીઓ લઇને ઊભા રહેલા લોકો કોઇ ગ્રાહકના ડોક્યુમેન્ટસ અને તેના ફોટાનો દુરુપયોગ કરીને સીમ એક્ટિવ કરાવી દેતા હોય અને અસામાજિક તત્ત્વો સુધી આ સીમ પહોંચી જતા હોય છે.આ લાઇનની ક્રાઇમ બ્રાંચ તપાસ કરી જ રહી છે. બીજી તરફ રથયાત્રા ટાણે સુરક્ષામાં કોઇ પણ ક્ષતિ રહી જાય નહિ તેના માટે પોલીસ કમિશનર કટીબદ્ધ છે. તેને પગલે સિનિયર ઓફિસરોના આદેશથી ક્રાઇમ બ્રાંચની પાંચ ટીમ રિલીફ રોડ પરના મૂર્તિમંત કોમ્પલેક્સની મોબાઇલ શોપ પર ત્રાટકી હતી અને તપાસ શરૂ કરી હતી.
ઘણી દુકાનોમાં બિલ વગર જ મોબાઇલનું વેચાણ થતું હોવાનું પોલીસના ધ્યાને આવતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત મોબાઇલની વિવિધ એસેસરીઝ અને ઇલે. ગેજ્ટસનું પણ બિલ વગર જ વેચાણ થઇ રહ્યું હોવાની વિગતો પોલીસના હાથમાં આવી છે.
સિનિયર પોલીસ અધિકારીઓ એવી બાતમી મળી હતી કે આ કોમ્પલેક્સમાં ડોક્યુમેન્ટ વગર જ સીમ કાર્ડ એક્ટીવેટ કરીને આપવામાં આવે છે. જેને પગલે સીમકાર્ડનો ઉપયોગ કરનારને ઝડપી લેવો મુશ્કેલ થઇ પડે. આ રેકેટની તપાસ માટે ક્રાઇમ બ્રાંચે ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે સીમ અંગેની તપાસ પણ ચાલી રહી હોવાનું જાણી શકાયું છે. આ કોમ્પલેક્સ બાદ શહેરના અન્ય મોબાઇલ માર્કેટમાં પણ પોલીસ તપાસ કરશે.SS1