Western Times News

Gujarati News

મહેસાણાના જગુદણ ગામેથી સોનાની બંગડીઓ ચોરનાર યુવતી ઝડપાઈ

પોલીસે રૂ.૨.૩૫ લાખની સોનાની રણી જપ્ત કરી

ગાંધીનગર એફએસએલમાં આરોપીનો લેયર્ડ વોઈસ એનાલિસિસ ટેસ્ટ કરાવતાં તેણે ચોરી કરી હોવાનું જણાયું હતું

મહેસાણા,મહેસાણા તાલુકાના જગુદણ ગામના એક મકાનમાંથી ચાર મહિના પહેલાં ચાર તોલા સોનાની બે બંગડીઓ ચોરનાર ગામની જ યુવતીને ઝડપી લઈ પોલીસે રૂ.૨.૩૫ લાખની સોનાની રણી જપ્ત કરી હતી.જગુદણના નાના બારોટવાસમાં રહેતા પ્રવિણચંદ્ર વ્રજલાલ બારોટના ઘરમાં બેડરૂમમાંથી ચાર તોલા સોનાની બે બંગડીઓ કિં.રૂ.૨.૪૦ લાખની ચોરી ગત તા.૭-૨-૨૫ના રોજ થઈ હતી. જે અંગે તેમણે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પીઆઈ ડી.જી.બડવાની સૂચનાથી પીએસાઈ પી.એસ.જોશી તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ હાથ ધરેલી તપાસમાં ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સની મદદથી ગામના ઠાકોરવાસમાં રહેતી ઠાકોર નીશાબેન સંજયજીએ ચોરી કરી હોવાનું જણાયું હતું. જેથી તેને પકડીને પૂછપરછ કરતાં તે ગલ્લાંતલ્લાં કરતી હતી. ગાંધીનગર એફએસએલમાં આરોપીનો લેયર્ડ વોઈસ એનાલિસિસ ટેસ્ટ કરાવતાં તેણે ચોરી કરી હોવાનું જણાયું હતું.

યુવતીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતાં આખરે તેણે ચારેક મહિના પહેલાં ઉપરોક્ત ઘરના બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ ઉપર મુકેલી સોનાની બે બંગડીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી યુવતીની અટક કરીને સોનાની બંગડીઓ ઓગાળીને બનાવેલી ૪૦ ગ્રામ સોનાની રણી કિ.રૂ.૨.૩૫ લાખ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.