Western Times News

Latest News from Gujarat India

સ્વસ્થ અને સશક્ત ભારત નિર્માણના મહાયજ્ઞમાં  પ્રજાજનોને સંવેદનશિલતા સાથે જોડાવા ઈશ્વર પરમારનો અનુરોધ 

વ્યારા: સહી પોષણ-દેશ રોશનના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને સુપોષિત કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ દાહોદ ખાતેથી કરાવ્યો છે, એમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું.

વ્યારા તાલુકાના ચાંપાવાડી ખાતે યોજાયેલા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો શુભારંભ કરાવતા મંત્રીશ્રીએ  આંગણવાડીની સેવાઓમાં ગુજરાત દેશભરમાં મોખરે છે તેમ જણાવી, આ કાર્યક્રમની લક્ષ્યસિદ્ધિ માટે પોષણ ત્રિવેણીની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક બની રહેશે તેમ જણાવ્યું હતું. સામાજિક જનચેતના સાથે એક બાળક-એક પાલકની ભૂમિકા આપતા મંત્રીશ્રીએ “મુખ્યમંત્રી સુપોષિત ગુજરાત નિધિ”, મોનિટરિંગ અને રીવ્યુ કમિટિઓના ગઠન સાથે સમગ્ર કાર્યક્રમનું મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ દ્વારા પણ સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું. સ્વસ્થ અને સશક્ત ભારત નિર્માણના આ મહાયજ્ઞમાં સૌ પ્રજાજનોને સંવેદનશિલતા સાથે જોડાવા પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે સંવેદનશીલ રાજ્ય સરકારે હાથ ધરેલા ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો સહિત વ્યારા અને સોનગઢ એમ બે નગરપાલિકા વિસ્તાર મળી કુલ ૨૮ જેટલા કાર્યક્રમોનું આયોજન કરાયું છે તેમ, કલેકટર આર.જે.હાલાણીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું.

ત્રણ દિવસિય આ કાર્યક્રમોમાં રાજ્યના મંત્રીશ્રી સહિત આઠ જેટલા ઉચ્ચ અધિકારીઓ, અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે, તેમ જણાવી કલેક્ટરશ્રીએ આંગણવાડીના માધ્યમથી પુરી પડાતી સેવાઓની જાણકારી આપી, પાલક વાલી યોજનાની પણ જાણકારી આપી હતી.

દરમિયાન પાલક વાલી, સ્વસ્થ બાળક, સ્વસ્થ કિશોરી, શ્રેષ્ઠ વાનગી બનાવનારી આંગણવાડી વિગેરેનું મહાનુભાવોનાહસ્તે સન્માન કરાયું હતું. મંત્રીશ્રીએ નાના ભુલકાઓને અન્નપ્રાસન પણ કરાવ્યું હતું.   ઉલ્લેખનિય છે કે, ચાંપાવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ના શુભારંભ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર શ્રી જયરામભાઈ ગામીત, સ્થાનિક સરપંચો, પદાધિકારીઓ, ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અહીં આંગણવાડીના કર્મયોગીઓ દ્વારા વિવિધ વાનગીઓનું નિદર્શન પણ રજૂ કરાયું હતું. મહાનુભાવોએ આ વાનગી સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી. આંગણવાડી કાર્યકરોએ પોષણ આરતી રજૂ કરી, સ્વસ્થ ગુજરાતના સંદેશને ગુંજતો કર્યો હતો. આંગણવાડીના કર્મયોગીઓ દ્વારા અહીં પોષણ અદાલત નાટક રજુ કરી, અનોખી જનચેતના જગાવી હતી. મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. મહાનુભાવો તથા પ્રજાજનોએ સહી પોષણ-દેશ રોશન કાર્યક્રમ વિષયક ટેલિફિલ્મ પણ નિહાળી હતી. અંતે મહાનુભાવો સહિત પ્રજાજનોએ તંદુરસ્ત ભારત નિર્માણ માટેના શપથ પણ ગ્રહણ કર્યા હતા. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આંગણવાડીની મુલાકાત પણ લીધી હતી.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહા સિંધ, પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરી સહિતના ઉચ્ચધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોગ્રામ ઓફિસર શ્રી એ.ટી.પટેલ, લાયઝન અધિકારીશ્રી ડો. કે.ટી.ચૌધરી સહિત તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers