ઓનલાઈન ફ્રોડઃ પહેલાં રોકાણ સામે ર૮ હજાર જમા કરાવી વિશ્વાસ કેળવ્યો પછી 50 લાખનું ચીટીંગ કર્યુ

આઈઆઈએમ અમદાવાદના (IIM Ahmedabad Manager) મેનેજર સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ.પ૦ લાખનું ઓનલાઈન ફ્રોડ
(એજન્સી)અમદાવાદ, આઈઆઈએમ અમદાવાદના મેનેજર સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે પ૦ લાખનું ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદ સોમવારે સાયબર સેલમાં નોંધાઈ છે.
અજાણ્યા વોટ્સએપ નંબરથી આવેલા મેસેજમાં આપેલી લિંક ઓપન કરતા ફરિયાદી વોટ્સએપ ગ્રુપમાં એડ થયા હતા. આ ગ્રુપમાં રહેલા આરોપીઓએ ફરિયાદીને સસ્તા આઈપીઓ આપવાની લાલચ આપી એપ ડાઉનલોડ કરાવી પર્સનલ વિગતો ભરાવી હતી. શરૂઆતમાં રોકાણ સામે આરોપીઓએ ફરિયાદીને ર૮ હજારની રકમ પરત આપી વિશ્વાસ કેળવ્યા બાદ વધુ રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી.
ચાંદખેડામાં રહેતા અને આઈઆઈએમમાં મેનેજર તરીકે છેલ્લા ર૬ વર્ષથી ફરજ બજાવતા રેવેન્દ્ર ડાહ્યાભાઈ વાઘેલા (ઉ.૪૭)એ ભરત શાહ, પ્રિયા શર્મા, આસ્કીકપ્રો એપ્લિકેશન, હેલ્પ એટ ધ રેટ આસ્ક અને સપોર્ટ એટ ધ રેટ આસ્ક ઈમેલ આઈડીના ધારકો અને સંચાલકો સામે ફરિયાદ નોંધાવી છે જે મુજબ ફરિયાદી સાથે આરોપીઓએ ગત તા.૧૯-ર-ર૦રપથી ૭-પ-ર૦રપના સમયગાળા દરમિયાન શેર આઈપીઓ સસ્તામાં મળતા હોવાનું કહી રોકાણ કરાવી
૪૯,૭પ,૦૪૭ની મત્તાની છેતરપિંડી આચરી હતી. વિગતો મુજબ ફરિયાદી પર અજાણ્યા વોટ્સએપ નંબરથી મેસેજ આવ્યો હતો. આ મેસેજની લિંક ઓપન કરતા તેઓને એક ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. પે પછી આરોપીઓએ લાલચ આપી એપ ડાઉનલોડ કરાવી ફરિયાદીની વિગતો મેળવી હતી. તે પછી આરોપીઓએ ફરિયાદીને શરૂઆતમાં અમુક સ્ટોકમાં રોકાણ કરાવ્યા બાદ વેચવાનું કીધું હતું.
આ રીતે વેચાણથી થયેલા નફાની રકમ ફરિયાદીના ખાતામાં રૂ.ર૮,૮૦૦ પરત કર્યા હતા. આ રીતે ફરિયાદ વિશ્વાસમાં આવી જતાં આરોપીઓએ ફરિયાદીને આઈપીઓ લેવા જણાવી ૪૮ લાખ ભરવા કહ્યું હતું. ફરિયાદીએ આટલી રકમ ના હોવાનું જણાવતા આરોપીઓએ ર૦ લાખ ભરાવી ૧૮ લાખની લોન આપી હતી.