Western Times News

Gujarati News

ચોમાસું આગળ વધ્યુંઃ ૨૫મી સુધી દેશના મોટાભાગને આવરી લેશેઃ IMD

weather forecast

કેરળમાં ચોમાસાનું સામાન્ય કરતા વહેલું

૨૪મી મેએ આગમન થયા બાદ સિસ્ટમ નબળી પડી હતી

નવી દિલ્હી,દેશના ઉત્તર અને પશ્ચિમના ભાગોમાં ગરમીના પ્રકોપમાંથી લોકોને આગામી થોડા દિવસોમાં રાહત મળવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના મતે ૨૫ જૂન સુધીમાં ચોમાસામાં પ્રગતિ થશે અને દિલ્હી સહિત મધ્ય ભારત ઉપરાંત ઉત્તરપશ્ચિમના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. હાલમાં દિલ્હી, રાજસ્થાન, ગુજરાત હરિયાણા સહિતના ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી એકાદ બે સપ્તાહમાં સત્તાવાર રીતે અહીં ચોમાસું અહીં પહોંચશે જેથી તાપમાનનો પારો નીચે જવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.

દેશમાં આ વર્ષે પ્રાથમિક વરસાદ લાવતી સિસ્ટમ સામાન્ય કરતા વહેલી ૨૪મી મેએ કેરળ પહોંચી હતી. અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા મજબૂત હવાના હળવા દબાણની મદદથી ચોમાસાની પ્રગતિ શરૂઆતમાં સારી રહી હતી. જેને પગલે ચોમાસુ કેરળથી પાંચ જ દિવસમાં મુંબઈ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચ્યું હતું. આ ઉપરાંત ૨૯ મે સુધીમાં પૂર્વાેત્તર ભાગોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. આસામ સહિતના રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

બીજીતરફ ૨૮-૨૮ મે પછી ૧૦-૧૧ જૂન સુધીના ગાળામાં સિસ્ટમ નબળી પડી હતી અને ઉત્તર-પશ્ચિમના ભાગોમાં વરસાદ પડ્યો નહતો. ભેજનું પ્રમાણ ઊંચું જવાથી સખત બફારો વધતા તાપમાનનો પારો ઊંચકાયો હતો. દિલ્હી સહિતના ભાગોમાં હીટવેવનું જોર વધતા રેડ એલર્ટ જાહેર કરાયું હતું.આઈએમડીએ કરેલી આગાહી મુજબ ૧૮ જૂન સુધીમાં મધ્યભારતના કેટલાક બાકીના ભાગો ઉપરાંત પૂર્વમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઈ શકે છે. ઉત્તરપશ્ચિમના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનો અંદાજ મૂકવામાં આવે છે. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થયા બાદ પખવાડિયા સુધીમાં ગુજરાત અને દિલ્હી સહિતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના રહે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.