Western Times News

Gujarati News

પ્રિયંકા ચોપરા, રાજામૌલી અને મહેશબાબુ આફ્રિકામાં શૂટ કરશે

મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા જુલાઈથી કેન્યામાં શૂટિંગ શરૂ કરશે

ભારતમાં કોરાપુટ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશમાં બોરા કેવ્ઝમાં શૂટ કર્યા પછી રાજામૌલી કેન્યા પહોંચ્યા છે

મુંબઈ, પ્રિયંકા ચોપરા જોનાસ અને મહેશ બાબુ એસ.એસ. રાજામૌલીની ફિલ્મમાં એકસાથે કામ કરી રહ્યાં છે અને તેઓ લાંબા સમયથી શૂટ કરી રહ્યાં છે. તેમણે થોડાં વખત પહેલાં ઓરિસ્સામાં પણ શૂટ કર્યું હતું, ત્યાર બાદ તેઓ સમર વેકેશન બ્રેક પર હતાં. એક તરફ મહેશબાબુ અને પ્રિયંકાએ વેકેશન લીધું તો બીજી તરફ રાજામૌલી પોતાની ફિલ્મ ‘આરઆરઆર’ પરની ડોક્યુમેન્ટરી ‘બિહાઇન્ડ એન્ડ બિયોન્ડ’ નેટફ્લિક્સ પર જાપાનમાં રિલીઝ થવાની છે, તેના પ્રમોશન માટે જાપાન ગયા હતા.

તાજેતરના અહેવાલો મુજબ હવે તેમણે ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે. મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા જુલાઈથી કેન્યામાં શૂટિંગ શરૂ કરશે. ખરેખર તો આ શૂટ માર્ચમાં શરૂ થવાનું હતું પરંતુ તેમણે આ શૂટ રીશીડ્યુલ કરવું પડ્યું. હવે આ ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મનું સમગ્ર ક્રૂ અને કાસ્ટ ઇસ્ટ આફ્રિકા જશે. એવી ચર્ચા છે કે, ફિલ્મ શૂટિંગનો આ તબક્કો સૌથી મહત્વનો રહેશે. કારણ કે આ શિડ્યુલમાં આફ્રિકાના ગાઢ જંગલોમાં ફિલ્મની મહત્વની એક્શન સિક્વન્સ શૂટ થશે. રાજામૌલી પોતાની ફિલ્મમાં વૈભવી સેટ અને મોટા દૃષ્યો માટે જાણીતા છે. ત્યારે ઓરિસ્સા અને આફ્રિકા જેવા સ્થળો પર શૂટ થયેલી ફિલ્મ રસપ્રદ અને તાજગીસભ હશે એવી અપેક્ષા છે.

સાથે જ ઇસ્ટ આફ્રિકા પણ તેની ભૌગોલિક સ્થિતિ અને વાઇલ્ડલાઇફ માટે જાણીતું છે. ભારતમાં કોરાપુટ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશમાં બોરા કેવ્ઝમાં શૂટ કર્યા પછી રાજામૌલી કેન્યા પહોંચ્યા છે. આ એક જંગલ એડવેન્ચર ફિલ્મ છે. આ ફિલ્મ માટે ખાસ અદ્દભુત કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો શોધવામાં આવ્યા હતા. આફ્રિકામાં મસાઇ મારા, અંબોસેલી અને સાવો નેશનલ પાર્ક જેવા સ્થળો પર શૂટ થશે.

એક સુત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર આફ્રિકાના સુંદર સ્થળો ગયા વર્ષે જ નક્કી કરી લેવાયાં હતાં, ખાસ કરીને કેન્યાના નેશનલ પાર્ક, જેથી તેઓ ફિલ્મમાં સુંદર દૃશ્યો બતાવી શકે. સુત્રએ જણાવ્યું, “આ વર્ષે માર્ચમાં કેન્યાનું શૂટ શરૂ કરવાનું હતું. પરંતુ ત્યાં આસપાસના વિસ્તારોમાં અતિશય ગરમી હોવાને કારણે તેમણે કામ પાછું ઠેલવું પડ્યું. હાલ ત્યાંનું વાતાવરણ વધારે અનુકૂળ છે. તેથી હવે આવતા મહિનામાં કામ શરૂ થશે.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.