સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત 855 જેટલો વધારાનો સ્ટાફ કાર્યરત

File Photo
રાજ્ય સરકાર પેઢીનામાં સહિતના દસ્તાવેજો સામે ચાલીને પૂરા પાડીને સ્વજનોને મદદરૂપ થઈ રહી છે
Ahmedabad, દુર્ઘટનાગ્રસ્તોના પાર્થિવ દેહની સોંપણીથી લઈને વીમા-દાવાની પતાવટ માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા સહિતના કોઈ પણ તબક્કે પરિવારજનોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય તંત્ર ગોઠવાયું છે અને તમામ પ્રકારે સામે ચાલીને મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ વીમા કંપની તેમજ કોઈપણ સરકારી કે અર્ધસરકારી કચેરીઓમાં કામ સરળતાથી પાર પડે તે માટે સ્વર્ગસ્થના સ્વજનોનો સત્વરે સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો સરકારે સામે ચાલીને પૂરાં પાડ્યાં છે. સ્વર્ગસ્થના પેઢીનામા સહિતના દસ્તાવેજો પંચો તથા સાક્ષીઓના આધારે આપવા વહીવટી તંત્ર સામે ચાલીને મદદરૂપ થઈ રહ્યું છે.
પાર્થિવ દેહ સોંપવાની કાર્યવાહી માટે, દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલન માટે જિલ્લા તંત્રએ 250થી વધુ નોડલ અધિકારીઓની નિમણુંક કરી છે. આ તમામ કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે સુપરવિઝન અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સંબંધિત જિલ્લાના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના હોદ્દેદારશ્રીઓ-સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો સહિત કલેક્ટરશ્રી, પોલીસ વડાશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી વગેરે અધિકારીઓ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોને તમામ તબક્કે મદદરૂપ થવા તેમની સાથે ખભાથી ખભો મિલાવીને ઊભા રહ્યાં છે.
હાલમાં મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓના સગાં સંબંધીઓના લેવાયેલા બ્લડ સેમ્પલ પૈકી 119 ડી.એન.એ. મેચ થયા છે. આ મેચ થયેલાં ડી.એન.એ. પૈકી 76 પાર્થિવ દેહ સોંપવામાં આવ્યાં છે.
આરોગ્ય વિભાગના દ્વારા સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત 855 જેટલો વધારાનો સ્ટાફ કાર્યરત કરાયો છે.
સિવિલ હોસ્પીટલમાંથી અત્યાર સુધીમાં જેટલા પણ પાર્થિવ દેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે, તે ખૂબ જ સન્માનભેર તથા માન-સન્માન સાથે સોંપવામાં આવ્યા છે તથા આગળ પણ એ મુજબ જ સોપવામાં આવશે. આ બાબતે કોઈપણ તથ્ય વિહોણા મેસેજ અને ન્યુઝ પર વિશ્વાસ ન કરવાની સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટશ્રીએ અપીલ કરી છે.