Western Times News

Gujarati News

કમલ હાસનની ‘ઠગ લાઈફ’ને ઓડિયન્સે ઠેંગો બતાવ્યો

ઓટીટીની ૧૩૦ કરોડની ડીલ પર ફેરવિચારણા શરૂ થઈ

મલ હાસન-મણિરત્નમની ‘ઠગ લાઈફ’ માટે બીજું અઠવાડિયું કપરું રહ્યું છે અને આ ફિલ્મ બોક્સઓફિસ પર લથડિયાં ખાઈ રહી છે

મુંબઈ,ભારતીય ફિલ્મ જગતના બે દિગ્ગજોએ મોટા બજેટ સાથે ‘ઠગ લાઈફ’ બનાવી હતી. ડાયરેક્ટર મણિરત્નમ અને એક્ટર કમલ હાસનની જોડી આ ફિલ્મમાં ફરી કમાલ કરશે તેવું ઓડિયન્સને લાગતું હતું. જો કે રિલીઝ બાદ આ ફિલ્મ ઓડિયન્સને ખાસ પસંદ આવી નથી. જેના કારણે તેની ટિકિટ્‌સના વેચાણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ૯ દિવસમાં આ ફિલ્મને રૂ.૫૦ કરોડનું કલેક્શન પણ મળી શક્યું નથી. કમલ હાસન-મણિરત્નમની ‘ઠગ લાઈફ’ માટે બીજું અઠવાડિયું કપરું રહ્યું છે અને આ ફિલ્મ બોક્સઓફિસ પર લથડિયાં ખાઈ રહી છે.

આ ફિલ્મને શુક્રવારે સૌથી ઓછું માંડ ૭૫ લાખનું કલેક્શન મળ્યું છે. ફિલ્મની મોંઘી સ્ટાર કાસ્ટ અને બજેટને જોતાં ૨૦૨૫ના વર્ષની સૌથી મોટી ફ્લોપમાં તેનો સમાવેશ નિશ્ચિત છે. આ ફિલ્મે નવ દિવસમાં ભારતીય બોક્સઓફિસ પર રૂ.૪૪.૭૫ કરોડનું નેટ કલેક્શન મેળવ્યું છે. ફિલ્મના બોક્સઓફિસ પ્રદર્શનની વાત કરીએ તો તેને પ્રથમ દિવસે રૂ.૧૫.૫ કરોડનું કલેક્શન મળ્યું હતું. બીજા જ દિવસે તેનું કલેક્શન અડધું થયું હતું અને તેને ૭.૧૫ કરોડ મળ્યા હતા. ત્રીજા દિવસે તેને ૭.૭૫ કરોડની આવક થતાં ફિલ્મની સફળતાની શક્યતા ઊભી થઈ હતી. ચોથા દિવસે ૬.૫ કરોડના કલેક્શન સાથે ફિલ્મ ધીમે-ધીમે પકડ જમાવે તેવું લાગતુ હતું. જો કે પાંચમા દિવસે ૨.૩ કરોડ, છઠ્ઠા દિવસે રૂ.૧.૮૦ કરોડ, સાતમા દિવસે રૂ.૧.૨૨ કરોડ, આઠમા દિવસે રૂ.૧.૪૫ કરોડ અને નવમા દિવસે માંડ રૂ.૭૫ લાખના કલેક્શન સાથે ફિલ્મની સફળતાની તમામ શક્યતાઓ ધૂંધળી બની છે.

કમલ હાસનની ‘ઠગ લાઈફ’ને રિલીઝ પહેલાથી જ મિશ્ર પ્રતિસાદ મળતા હતા. માઉથ પબ્લિસિટી અને રીપિટ ઓડિયન્સ પર ફિલ્મની સફળતાનો આધાર હતો. આ ફિલ્મમાં કમલ હાસન અને મણિરત્નમે ૩૮ વર્ષ બાદ સાથે કામ કર્યું હતું. બંને દિગ્ગજો ભેગા મળીને બ્લોકબસ્ટર ફિલ્મ આપશે તેવું ઘણાં માનતા હતા. જો કે દિવસો પસાર થવાની સાથે ફિલ્મને ફ્લોપનું લેબલ લાગવાનું નિશ્ચિત જણાઈ રહ્યું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી, જેની ૧૩૦ કરોડની ડીલ થઈ હતી. હવે તેમણે આ ડીલ પર ફેર વિચારણા કરવાની અને આ રકમમાં ૨૦થી ૨૫ ટકા ઘટાડવાની વાત કરી હતી. તે ઉપરાંત એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મ થિએટર રિલીઝના આઠ અઠવાડિયાને બદલે ચાર અઠવાડિયમાં જ ઓટીટી પર રિલીઝ થઈ શકે છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.