જાહેરમાં ધુમ્રપાન નિષેધ કાયદો અમલમાં પણ એક વર્ષમાં વ્યકિતગત દંડ નહીં
અમદાવાદ, અમદાવાદ સહીત રાજયભરમાં ૧૭ વર્ષ અગાઉ જાહેરમા ધુમ્રપાન કરનારાઓ ઉપર નિયંત્રણ મુકવા અમલમા મુકવામા આવેલા જાહેરમાં ધુમ્રપાન નિષેધના કાયદાનો અમલ માત્ર કાગળ ઉપર કરાઈ રહ્યો છે.છેલ્લા એક વર્ષમાં કાયદા હેઠળ જે વ્યકતિગત કાર્યવાહી થવી જોઈએ એ કરવામા આવી જ નથી.જેના પરીણામે વર્ષ દરમિયાન વ્યકિતગત ચાર્જ કોઈની પણ પાસેથી વસુલાયો નથી. તંત્ર દ્વારા માત્ર ધંધાકીય એકમો પાસેથીવહીવટી પ્રક્રીયા નિભાવવા વિવિધ કોમર્શીયલ ચાર્જ લઈને સંતોષ માનવામા આવી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,રાજય સરકાર દ્વારા વર્ષ-૨૦૦૩-૦૪મા જાહેરમા ધુમ્રપાન પર નિયંત્રણમા લેવા અંગે એક ખરડો વર્ષ-૨૦૦૩-૦૪મા અમલમા મુકાયો હતો.આ કાયદા હેઠળ જે વ્યકતિ જાહેરમા બીડી કે સીગારેટ પીવે તો તેને પકડી રૂપિયા ૨૦૦ વહીવટી ચાર્જની રકમ વસુલવામા આવતી હતી.શરૂઆતના એક કે બે વર્ષ બહુ ગાજેલો આ કાયદો જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ માત્ર કાગળ પરની કાર્યવાહી બની ગયો છે. વર્ષ-૨૦૧૯ના પુરા થયેલા વર્ષમા જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીના બાર મહીનામા અમદાવાદ શહેરમા એકપણ વ્યકતિને પકડીને તેની પાસેથી વ્યકતિગતચાર્જની રકમ વસુલવામા આવ્યો નથી.એક વર્ષમાં તંત્ર દ્વારા એસ.ટી.,રેલવે સ્ટેશન જેવા અન્ય સ્થળોએ જાહેરમાં ધુમ્રપાન કરનારાને પકડવામા આવ્યા નથી.
નિયમ અનુસાર,જાહેર બગીચા,મોલ સહીતના સ્થળો પર મ્યુનિ.આરોગ્ય વિભાગ અથવા હેલ્થ ફલાઈંગ સ્કવોડ તરફથી પણ એક પણ વ્યકતિ સામે કાર્યવાહી કરાઈ નથી.બીજી તરફ હેલ્થ વિભાગ દ્વારા કે ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા નાના મોટા પાનના ગલ્લા સુધી પહોંચી વહીવટી ચાર્જ વસુલાયો છે.ખરેખર તો કાયદાની જોગવાઈ એવી છે કે,ધુમ્રપાન કરનારાઓને પકડી વહીવટી ચાર્જ વસુલવો.જેથી ધુમ્રપાનની પ્રવૃત્તિ પર નિયંત્રણ આવે.
એક વર્ષમા શહેરના મધ્યઝોનમા મ્યુનિ.એ ૧૫૬ નોટીસ આપી રૂપિયા ૧૬૦૫૦, ઉત્તરઝોનમા ૧૮૭ નોટીસ આપી રૂપિયા ૨૭૪૦૦, દક્ષિણઝોનમા ૮૭ નોટીસ આપી રૂપિયા ૬૭૨૦,પૂર્વમા ૧૬૭ નોટીસ આપી રૂપિયા ૨૦૦૫૦, પશ્ચિમમા ૧૬૬ નોટીસ આપી ૨૯૬૦૦,ઉત્તર-પશ્ચિમમા ૨૫૬ નોટીસ આપી રૂપિયા ૨૬૨૧૦, દક્ષિણ-પશ્ચિમમા ૧૩૭ નોટીસ આપી રૂપિયા ૧૫૨૦૦ અને ફલાઈગ સ્કવોર્ડ દ્વારા ૭૧નોટીસ આપી રૂપિયા ૧૦૧૦૦ વસુલાયા હતા.