Western Times News

Gujarati News

અમદાવાદમાં મકાન લેવું મોંઘું પડશે: ડેવલોપમેન્ટ ચાર્જમાં 10 ગણો વધારો

ભૂતકાળમાં સાત વર્ષ પહેલા ઔડા દ્વારા ડેવલપમેન્ટ ચાર્જ વધારે સૂચવવામાં આવ્યો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નહોતો.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદીઓને હવે ઘર, મકાન કે ઓફિસ લેવી મોંઘી પડશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા ૪૦ વર્ષ બાદ સૌપ્રથમ વખત જમીન- બાંધકામના ઉપયોગ પર લેવાતો ડેવલોપમેન્ટ ચાર્જ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંગળવારે મળેલી ઔડાની બોર્ડ બેઠકમાં રહેણાંક, બિન રહેણાંક અને અન્ય હેતુ માટે જમીન અને બાંધકામ ઉપર લેવાતા ડેવલોપમેન્ટ ચાર્જમાં ૧૦ ગણો વધારો કરવાનો નિર્ણય લઈને સૂચિત વધારા સાથે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા અમદાવાદ શહેરમાં જેટલા પણ બાંધકામો છે તેમાં નવા ડેવલોપમેન્ટ ચાર્જ લાગુ થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા વિસ્તારમાં જ્યારે કોઈપણ બિલ્ડર કે ડેવલપર દ્વારા બાંધકામ યોજના મંજુર કરવા માટે મુકશે તેમાં ડેવલપમેન્ટ ચાર્જ ભરવાનો આવતો હોય છે. જેમાં ૧૦ ગણો વધારો કરી હવેથી પ્રતિ ચોરસ મીટર લેખે ૨૫ રૂપિયાથી લઈને ૭૫ રૂપિયા સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જમીન અને બાંધકામ બંને માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી પ્રતિ ચોરસ મીટર લેખે ૪થી લઈને ૧૫ રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો. જેમાં ૧૦ ગણો જેટલો વધારો કરવામાં આવ્યો છે. ૪૦ વર્ષથી વધુ સમય બાદ આ ડેવલોપમેન્ટ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. જો ડેવલોપમેન્ટ ચાર્જમાં વધારો થશે તો તેના કારણે બિલ્ડીંગ પ્રોજેક્ટ મોંઘા બનશે. જેના કારણે પ્રોપર્ટીના ભાવોમાં વધારો થશે.

ડેવલોપમેન્ટ ચાર્જ માં વધારો કરવાની દરખાસ્ત ઔડા દ્વારા મૂકવામાં આવી છે જે સમગ્ર અમદાવાદ શહેરમાં લાગુ પડશે. આગામી દિવસોમાં જંત્રી દરમાં પણ વધારો કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે અને જો રાજ્ય સરકાર ઔડા દ્વારા ડેવલોપમેન્ટ ચાર્જમાં પણ વધારો કરશે જેના કારણે થઈને પ્રોપર્ટીના ભાવોમાં ખૂબ વધારો થશે. અમદાવાદ શહેરની આસપાસ આવેલા બિલ્ડીંગ પ્રોજેક્ટ અને જમીનના ભાવો વધી જશે.

જેથી લોકોને ઘરનું ઘર લેવું એક સપનું પણ બની જશે. ભૂતકાળમાં સાત વર્ષ પહેલા ઔડા દ્વારા ડેવલપમેન્ટ ચાર્જ વધારે સૂચવવામાં આવ્યો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નહોતો.

ગોધાવીની K3 ઝોનમાં સમાવિષ્ટ જમીનોમાં મુસદ્દારૂપ ટી.પી. સ્કીમ નં. ૪૫૭ને સરકારમાં મંજૂરી બાબતે મોકલવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. ઔડાની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૨૧ અંતર્ગત દહેગામમાં ૬૦ મીટર રિંગ રોડના અમલીકરણ કરવા માટે રહેણાંક-૧ ઝોનમાં સ્થિત જમીનોમાં મુસદ્દારૂપ નવી ટી.પી. સ્કીમ નં. ૪ બનાવવા હેતુ તેની હદનો પરામર્શ મેળવવા બોર્ડની મંજૂરી મેળવવામાં આવી હતી. જેથી દહેગામના નવી ટીપી સ્કીમ અંતર્ગત અમલીકરણને પગલે વિસ્તારનો વિકાસ થશે.

જુદી જુદી નગર રચના (ટાઉન પ્લાનિંગ) યોજનાઓમાં ગાર્ડન નિર્માણના હેતુથી સંપ્રાપ્ત થયેલ જમીનોમાં ઝ્રજીઇ હેઠળ પ્લાન્ટેશનની કામગીરી શરુ કરવા માટે મંજૂરી આપવામાં આવેલ. આ યોજના અંતર્ગત ઔડા દ્વારા આપવામાં આવેલ ૧૧ પ્લોટની અંદાજિત ૯૯ હજાર ચોરસ મીટર જમીનમાં ઝ્રજીઇ ભંડોળના ઉપયોગથી બિનસરકારી સંસ્થાઓ દ્વારા મિયાવાકી પધ્ધતિથી ૧.૨૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ વૃક્ષોની જાળવણી તથા રખરખાવ પણ ૩ વર્ષ સુધી સંસ્થા દ્વારા જ કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.