ઝરણા ફોરેસ્ટ ખાતે ઘરના માળિયા ઉપર ઘાસચારા નીચે સંતાડેલ દારૂનો જથ્થો ઝડપાયો

(પ્રતિનિધિ)ભરૂચ, નેત્રંગ પોલીસે નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબુદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ આ દરમ્યાન નેત્રંગ પીઆઈ આર.સી.વસાવા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા
તે દરમ્યાન બાતમી મળેલ કે ઝરણા ફોરેસ્ટ કંપની (કાંટીપાડા) ખાતે રહેતા હરેશ મંગા વસાવાએ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવી તેના ઘરે સંતાડેલ છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઈડ કરતા હરેશ મંગા વસાવા ઘરે હાજર મળેલ હતો.પોલીસે તેના ઘરમાં તપાસ કરતા ઘરની આગળની ખુલ્લી ઓરડીમાં માળિયા ઉપર ઘાસચારાની આડમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂની બોટલો નંગ ૮૬૪ તેમજ એક મોબાઈલ મળીને કુલ રૂપિયા ૨,૭૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે હરેશ મંગા વસાવા રહે.ઝરણા ફોરેસ્ટ (કાંટીપાડા) તા.નેત્રંગ જી.ભરૂચનાને ઝડપી લઈને દારૂનો આ જથ્થો બહારથી લાવીને પકડાયેલ ઈસમના ઘરે મુકી જનાર પ્રદિપ રતિલાલ વસાવા રહે.ગામ વાગલખોડ તા.વાલિયા જી.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને બન્ને વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.