ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પાંચ દિવસની ટેસ્ટ રમવાનું જારી રાખશે

એક અહેવાલ મુજબ લોર્ડઝ ખાતે ગયા સપ્તાહે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થઈ હતી
આગામી WTCમાં ચાર દિવસની ટેસ્ટ મેચ યોજવાની આઇસીસીની તૈયારી
લંડન,ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ૨૦૨૭-૨૦૨૯ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલમાં નાના દેશો માટે ચાર દિવસીય ટેસ્ટના આયોજન માટે તૈયારી દર્શાવી છે. જે ભારત. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પરંપરાગત પાંચ દિવસની ટેસ્ટ રમી શકશે. તેમ આઇસીસીએ જાહેર કર્યું હતું. આ પગલાંથી દરેક ટેસ્ટમાં એક દિવસ બચી જશે અને તેનાથી સ્પર્ધામાં વધારો થવા ઉપરાત આ પ્રકારના દેશો વધુ ટેસ્ટ અને સિરીઝ રમી શકશે.
એક અહેવાલ મુજબ લોર્ડઝ ખાતે ગયા સપ્તાહે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થઈ હતી અને તે દરમિયાન આઇસીસીના ચેરમેન જય શાહે ચાર દિવસીય ટેસ્ટને સહકાર આપવા અગેં પ્રતિસાદ આપ્યો હતો તેમ મનાય છે.જોકે આ મંજૂરી તાત્કાલિક નહીં પરંતુ ૨૦૨૭થી ૨૦૨૯ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાઇકલ વખતે આપી શકાય તેમ છે.ઇંગ્લેન્ડના એક દૈનિકના અહેવાલ મુજબ આ ફેરફાર ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પર લાગું પડશે નહીં અને તેમને પાંચ દિવસની ટેસ્ટ રમવાની મંજૂરી અપાશે. જેમાં એશિઝ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી સામેલ હશે.
એન્ડરસન-તેંડુલકર ટ્રોફી આ સપ્તાહથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્ઝ ખાતે શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝથી અમલી બનશે.અગાઉ આઇસીસીએ ૨૦૧૭માં ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ચાર દિવસની ટેસ્ટને મંજૂરી આપી હતી. ગયા મહિને ટ્રેન્ટ બ્રિજ ખાતે ઇંગ્લેન્ડની ટીમ ઝિમ્બાબ્વે સામે ચાર દિવસની ટેસ્ટ રમ્યું હતું અને તે અગાઉ ૨૦૧૯ અને ૨૦૨૩માં તે આયર્લેન્ડ સામે પણ ચાર ચાર દિવસની ટેસ્ટ રમ્યું હતું.
અહેવાલ મુજબ ઘણા નાના દેશો ટેસ્ટ મેચ યોજતા ખચકાટ અનુભવે છે કેમ કે તેમાં તેમનો સમય અને ખર્ચ વધી જાય છે પરંતુ ચાર દિવસીય ટેસ્ટનું આયોજન થાય તો તેઓ ત્રણ સપ્તાહથી ઓછા સમયમાં ત્રણ ટેસ્ટની સિરીઝ રમી શકે તેમ છે. ચાર દિવસની ટેસ્ટમાં રમતના કલાકો વધારી શકાય છે અને હાલના ૯૦ ઓવરના નિયમને બદલે તેમાં દિવસમાં ૯૮ ઓવર ફરજિયાત કરી શકાય છે.તાજેતરમાં સાઉથ આફ્રિકાનો કાર્યક્મ લંબાઈ ગયો હતો અને તેને લાંબા સમય સુધી રમવું પડ્યું હતું. આમ છતાં તેણે અંતે વર્લ્ડ ટેસ્ટ ટાઇટલ જીત્યું હતું.
સાઉથ આફ્રિકાનો મુદ્દો આઇસીસીની બેઠક દરમિયાન ચર્ચાયો હતો.
જોકે આ સપ્તાહથી શરૂ થઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ૨૦૨૫-૨૦૨૭ની સાઇકલ નિયત કાર્યક્રમ મુજબ જ પાંચ દિવસની ટેસ્ટ સાથે યોજાશે. મંગળવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ગોલ ખાતે શરૂ થયેલી ટેસ્ટ સાથે નવી સાઇકલનો પ્રારંભ થયો છે. ભારત તેની આ સાઇકલનો પ્રારંભ ૨૦મી જૂનથી ઇંગ્લેન્ડ સામે રમીને કરશે.નવી સાઇકલમાં બધું મળીને ૭૧ ટેસ્ટ અને ૨૭ સિરીઝ રમાશે અને તેમાં ૧૭ સિરીઝ બે ટેસ્ટની રહેશે જ્યારે એવી છ સિરીઝ રહેશે જેમાં બે ટીમ ત્રણ ત્રણ ટેસ્ટ રમશે. આ ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પાંચ ટેસ્ટની સિરીઝ રમશે. ss1