અમેરિકાથી હવાલાનું સોનાનું 93 લાખનું પાર્સલ ઉપાડવાની બાબતે યુવકને ગોંધી રાખ્યો

પ્રતિકાત્મક
કરમસદના યુવકને સોનાના રૂપિયા ૯૩ લાખના પાર્સલ બાબતે ગોંધી રાખી માર્યાે
(એજન્સી)આણંદ, આણંદ તાલુકાના કરમસદ ગામે રહેતા એક યુવકને અમેરિકા ખાતે હવાલાનું સોનાનું પાર્સલ ઉપાડવાની બાબતે નામજોગ ૧૩ શખ્સો તેમજ બીજા ૧૦ શખ્સોએ ભેગા મળી અપરણ કરી યુવકને બે અલગ અલગ ફાર્મ હાઉસ ઉપર ગોંધી રાખી માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે.
જે બાબતે આણંદ એલસીબીએ આગળની તપાસ હાથ ધરી છે. દોઢેક વર્ષ પહેલાં પણ આ જ પ્રકારના હવાલા કૌભાંડ અંગે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ આણંદ તાલુકાના કરમસદ-જોળ રોડ ઉપર આવેલા ખોડીયાર મંદિર પાસે ૨૭ વર્ષીય મિહિર રામજીભાઈ રબારી પોતાના પિતા રામજીભાઈ ભીખાભાઈ રબારી, નાનાભાઈ સહિતના પરિવાર સાથે રહે છે અને પશુપાલન કરી જીવન ગુજરાન ચલાવે છે.
મિહિર રબારીને પેટલાદ તાલુકાના આશી ગામે રહેતા નિર્મલ કનભાઈ રબારી અને જયેશ મફતભાઈ રબારીએ નીલ પટેલ પાસેથી અમેરીકા ખાતેથી પાર્સલ ઉપાડી લઈને તેના પેટે કમીશન આપવાની લાલચ આપી હતી.