Western Times News

Gujarati News

અગ્રણી ચિપ ઉત્પાદક કંપની ઈન્ટેલ ૧૦,૦૦૦થી વધુ કર્મીઓને હાંકી કાઢશે

એક જ વર્ષમાં ત્રીજી વખત છટણી

અગાઉની છટણીમાં કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે આર્થિક લાભ અપાયા હતા, પરંતુ આ વખતે કોઈ ઓફર નહીં થાય

સાન ફ્રાન્સિસ્કો,વિશ્વની અગ્રણી સેમિકન્ડક્ટર કંપની ઈન્ટેલ દ્વારા કર્મચારીઓની સંખ્યામાં ૧૫થી ૨૦ ટકાનો કાપ મૂકવા નિર્ણય લેવાયો છે. માઈક્રોચિપ્સ બનાવતી આ કંપની દ્વારા જુલાઈ મહિનાની શરૂઆતથી છટણી પ્રક્રિયા શરૂ કરાશે. સમગ્ર વિશ્વમાં આવેલા ઉત્પાદન એકમોમાંથી ૧૦,૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરવાનું આયોજન છે. ઈન્ટેલ મેન્યુફેક્ચરિંગના વાઈસ પ્રેસિડેન્ટ નાગા ચંદ્રશેખરને કર્મચારીઓને ઈન્ટરનલ મેમો મોકલ્યો હતો.

આ મેમોમાં જણાવ્યું હતું કે, કંપનીની વર્તમાન આર્થિક સ્થિતિ અને કિંમતોને કાબૂમાં રાખવાના પડકાર સામે ઝઝૂમવાનું અઘરું છે. તેથી આ પગલું જરૂરી બન્યું છે. વિશ્વમાં ૧૦ સ્થળે આવેલા ઈન્ટેલના ૧૫ ઉત્પાદન એકમો પર આ પગલાંની અસર જોવા મળશે. ફેક્ટરીના ફ્લોર મેનેજરથી માંડી નેક્સ્ટ-જનરેશનલ માઈક્રોપ્રોસેસર્સ ડેવલપ કરતાં રિસર્ચર્સ પર આ પગલાની અસર થશે. ઈન્ટેલ દ્વારા અગાઉ થયેલી છટણીમાં કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે સંમત કરી આર્થિક લાભ અપાયા હતા, પરંતુ આ વખતે કર્મચારીઓને આવા કોઈ લાભ થશે નહીં.

કંપનીમાં આવેલી કેટલીક જગ્યાઓને પણ નાબૂદ કરવામાં આવશે. ઈન્ટેલના પૂર્વ સીઈઓ પેટ ગેલસિંગરે ઓગસ્ટ ૨૦૨૪માં ૧૫,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી. ત્યારબાદ આવેલા સીઈઓ ટેને પણ ૨૦ ટકા કર્મચારીઓની છટણી કરી હતી. પર્સનલ કમ્પ્યૂટર અને ડેટા સેન્ટરના બજારમાં ઈન્ટેલની સ્પર્ધામાં અન્ય કંપનીઓ આવી ગઈ છે. વળી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં એનવિડિયાને સૌથી વધારે લાભ થયો છે. ટ્રમ્પ સરકારના કારણે કંપનીને ૭.૯ અબજ ડોલરની સબસિડી મળવાનું પણ અનિશ્ચિત છે. આ સ્થિતિમાં કંપની પાસે સ્ટાફની છટણી સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.