Western Times News

Gujarati News

ખામેનેઈની ટ્રમ્પને ધમકીઃ અમેરિકા ઈઝરાયલના હુમલામાં જોડાશે તો તેના “ખરાબ પરિણામો” આવશે

ઈરાન અને ઈઝરાયલના યુદ્ધમાં અમેરિકા ઝંપલાવશે -અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાની મંજૂરી આપી

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. તેમણે અંતિમ આદેશની રાહ જોવાનું કહ્યું છે. ટ્રમ્પે તેમના વરિષ્ઠ સાથીદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે હુમલા કરવાની મંજૂરી આપી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે અંતિમ આદેશ પછી હુમલો કરવામાં આવશે અને આ દરમિયાન તેમણે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને છોડી દેવા માટે સંમત થાય છે કે નહીં તે જોવાનું કહ્યું હતું.

એક જાણીતા અમેરિકન મીડિયાના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. તેમાં બેઠકમાં હાજર ત્રણ લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીને ટાંકીને આ જાણકારી અપાઈ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “પ્રમુખ ટ્રમ્પને આશા છે કે ઇઝરાયલી હુમલાઓમાં અમેરિકાની સંડોવણીના ભયને કારણે તેહરાન તેનો પરમાણુ કાર્યક્રમ છોડી દેશે.”

ઉલ્લખેનીય છે કે ઈરાનના સર્વાેચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ તેમની ધમકીઓને નકારી કાઢી ચુક્યા હતા અને ટ્રમ્પને ધમકી આપી હતી કે જો અમેરિકા ઈઝરાયલના હુમલામાં જોડાશે તો તેના “ખરાબ પરિણામો” આવશે. તેમણે કહ્યું કે ઈરાન ક્યારેય ઝૂકશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ અમેરિકન લશ્કરી હસ્તક્ષેપનો સખત જવાબ આપવામાં આવશે, જેનાથી અમેરિકાને “ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન” થશે.

અમેરિકા માને છે કે ઈરાન પાસે હવે પરમાણુ શસ્ત્રો બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ગુરુવારે કહ્યું હતું કે જો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેની આદેશ આપે તો ઈરાન થોડા અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે.

લેવિટે કહ્યું હતું કે, ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી બધું છે. હવે તેમને ફક્ત તેમના નેતાના હા પાડવાની રાહ જોવાની છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો ઈરાન આવું કરશે, તો તે ફક્ત ઇઝરાયલ જ નહીં, પરંતુ અમેરિકા અને સમગ્ર વિશ્વની સુરક્ષા માટે જોખમી બનશે.

બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને “બિનશરતી શરણાગતિ” સ્વીકારી લેવા કહ્યું હતું. જોકે, ખામેનેઇએ કહ્યું કે , “ઈરાન, ઈરાની રાષ્ટ્ર અને તેના ઇતિહાસને જાણતા બુદ્ધિશાળી લોકો ક્યારેય આ રાષ્ટ્ર સાથે ધમકીભરી ભાષામાં વાત ના કરી શકે કારણ કે ઈરાની રાષ્ટ્ર શરણાગતિ નહીં સ્વીકારે.” રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલાને મંજૂરી આપી છે, પરંતુ તેમને રાષ્ટ્રપતિ બનવામાં મદદ કરનારા જૂથો નથી ઇચ્છતા કે દેશ મધ્ય પૂર્વમાં નવા યુદ્ધમાં ધકેલી દેવામાં આવે.

ઈરાને ઈઝરાયેલની સોરોકા હોસ્પિટલ પર હુમલો કર્યા બાદ હવે ઈઝરાયેલી રક્ષામંત્રીએ ઈરાન પર નવા પ્રકારના હુમલા કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ તેમણે ઈરાના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈના ખાત્માની ખુલ્લી ચેતવણી આપી છે. આ અગાઉ ઈઝરાયેલી પીએમએ પણ ઈરાનને અંજામ ભોગવવાની ચેતવણી ઉચ્ચારી છે.

રક્ષામંત્રી કેટ્‌ઝે કહ્યું કે દક્ષિણ ઈઝરાયેલમાં સોરોકા મેડિકલ સેન્ટર પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યા બાદ ઈરાનના નેતા અલી ખામેનેઈને વોર ક્રાઈમ માટે જવાબદાર ઠેરવવામાં આવશે. કેટ્‌ઝે ખામેનેઈને કાયર ગણાવતા કહ્યું કે, કાયર ઈરાની તાનાશાહ એક મજબૂત બંકરની અંતર બેઠા છે અને જાણી જોઈને ઈઝરાયેલમાં હોસ્પિટલો અને રહેણાંક ઈમારતો પર હુમલા કરાવી રહ્યા છે.

તેમણે ચેતવણી આપી કે આ બધુ ખરાબ પ્રકારના વોર ક્રાઈમ છે અને ખામેનેઈને તેમના ગુનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવશે. કેટ્‌ઝે કહ્યું કે તેમણે અને પીએમ બેન્જામીન નેતન્યાહૂએ આઈડીએફને ઈરાનમાં રણનીતિક લક્ષ્યાંકો અને તેહરાનમાં સરકાર સંબંધિત લક્ષ્યો પર હુમલા તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. જેથી કરીને ઈઝરાયેલ માટે જોખમનો ખતમ કરી શકાય અને અયાતુલ્લાહ શાસનને અસ્થિર કરી શકાય.

રક્ષામંત્રી અગાઉ પીએમ બેન્જામીન નેતન્યાહૂએ પણ ખામેનેઈ પ્રશાસનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. નેતન્યાહૂએ સરોકા હોસ્પિટલ અને અન્ય નાગિરક હોસ્પિટલો પર ઈરાનના બેલિસ્ટિક મિસાઈલોથી હુમલા બાદ જોરદાર જવાબ આપવાની કસમ ખાધી. નેતન્યાહૂએ એક્સ પર લખ્યું કે ઈરાનના આતંકવાદી તાનાશાહ (અયાતુલ્લાહ અલી ખામેનેઈ)ના સૈનિકોએ સરોકા હોસ્પિટલ અને નાગરિક વસાહતો પર મિસાઈલો છોડી. હવે ઈરાને તેની પૂરેપૂરી કિંમત ચૂકવવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.