ફક્ત લાગણી દુભાતી હોવાથી ફિલ્મ કે સ્ટેન્ડ- અપ કોમેડી રોકી ના શકાયઃ સુપ્રીમ

કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ના મામલે કર્ણાટક સરકારની ઝાટકણી
ન્યાયાધીશ ઉજ્જલ ભૂયાન અને મનમોહન બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે ભારતમાં લાગણીઓને ઠેસ પહોંચવાના મુદ્દાનો કોઈ અંત નથી
નવી દિલ્હી,કમલ હાસન અભિનીત ફિલ્મ ‘ઠગ લાઈફ’ના રિલીઝમાં અવરોધ ઉભો કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો કર્ણાટક સરકાર આદેશ આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈ ફિલ્મ, સ્ટેન્ડ-અપ કોમેડી કે કવિતા પઠનને ફક્ત એટલા માટે રોકી શકાય નહીં, કારણ કે તે કોઈની લાગણીને ઠેસ પહોંચે છે.ન્યાયાધીશ ઉજ્જલ ભૂયાન અને મનમોહન બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે ભારતમાં લાગણીઓને ઠેસ પહોંચવાના મુદ્દાનો કોઈ અંત નથી. કોઈ સ્ટેન્ડ-અપ કોમેડિયન કંઈક કહે છે, તો લાગણીઓને ઠેસ પહોંચે છે અને તોડફોડ અને વિરોધ થાય છે.
આપણે ક્યાં જઈ રહ્યા છીએ? શું તેનો અર્થ એ છે કે વિરોધને કારણે કોઈ ફિલ્મ, સ્ટેન્ડ-અપ કોમેડી કે કવિતા પઠન બંધ કરવું જોઈએ? સર્વાેચ્ચ અદાલતના આકરા વલણ પછી કર્ણાટક સરકાર ફિલ્મ પ્રદર્શિત કરતા સિનેમા થિયેટરોને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ પછી કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યે ફિલ્મની રિલીઝ માટેનો માર્ગ મોકળો કરતું સોગંદનામું દાખલ કર્યું છે. તેથી આ મામલાનો અંત લાવવો ન્યાયના હિતમાં રહેશે.
આ સમગ્ર મામલો કન્નડ ભાષા તમિલમાંથી જન્મી છે, તેવી ટિપ્પણી કમલ હાસનની ટીપ્પણી સાથે જોડાયેલો છે. આવી ટીપ્પણી બદલ કમલ હાસનની માફીની માગણી કરવા બદલ કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ સામે સવાલ ઉઠાવતા કોર્ટે જણાવ્યું હતું કે અમે આવી અરજી સ્વીકારી શકીએ નહીં. ફક્ત એક અભિપ્રાયને કારણે કોઈ ફિલ્મને અટકાવી દેવી જોઈએ? કમલ હાસન વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે તેમને અત્યાર સુધીમાં રૂ.૩૦ કરોડનું નુકસાન થયું છે, પરંતુ જો રાજ્ય ફિલ્મના પ્રદર્શન માટે સુરક્ષા પૂરી પાડવા સંમત થાય તો તેમને કોઈ સમસ્યા નથી. ss1