Western Times News

Gujarati News

અમેરીકાએ સ્ટુડન્ટ વિઝા પરનો પ્રતિબંધ હટાવ્યો

અમેરિકા વિરુદ્ધની સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ હશે તો અરજી રિજેક્ટ થશે

કોન્સ્યુલર અધિકારીઓ એવી પોસ્ટ્‌સ અને મેસેજ પર નજર રાખશે, જે અમેરિકા, તેની સરકાર, સંસ્કૃતિ, સંસ્થાઓ અથવા સ્થાપના સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય

નવી દિલ્હી,અમેરિકાએ ભારત સહિતના તમામ દેશો માટે સ્ટુડન્ટ વિઝા પર મૂકેલા હંગામી પ્રતિબંધને હટાવી દીધો છે અને વિઝા પ્રોસેસને ફરી ચાલુ કરી છે, પરંતુ હવે તમામ અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટનું સ્ક્રિનિંગ ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એવો થાય છે કે તમામ અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટની સરકાર તપાસ કરશે અને અમેરિકા વિરુદ્ધ કોઇ પોસ્ટ હશે તો અરજી રિજેક્ટ કરશે. વિદેશ વિભાગે જણાવ્યું હતું કે મે મહિનામાં સ્ટુડન્ટ વિઝા પર મૂકવામાં આવેલા હંગામી પ્રતિબંધને સરકારે પાછો ખેંચી લીધો છે, પરંતુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સને ‘પબ્લિક’ મોડ ન રાખતા અને તપાસનો ઇનકાર કરતાં નવા અરજદારોની વિઝા અરજી રિજેક્ટ થઈ શકે છે.

કોન્સ્યુલર અધિકારીઓ એવી પોસ્ટ્‌સ અને મેસેજ પર નજર રાખશે, જે અમેરિકા, તેની સરકાર, સંસ્કૃતિ, સંસ્થાઓ અથવા સ્થાપના સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય. ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા મહિને યુએસમાં અભ્યાસ કરવાની આશા રાખતા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યુનું સમયપત્રક અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું હતું. અરજદારોની સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિના વ્યાપક સ્ક્રિનિંગના ભાગરૂપે વિઝા પ્રોસેસ અટકાવી દીધી હતી.

સ્કૂલ વર્ષના પ્રારંભના થોડા સમય પહેલા જ સરકારે આવો નિર્ણય કરતાં અમેરિકામાં ભણવા માગતા વિશ્વભરના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં હતાં. જોકે હવે વિદ્યાર્થીઓને રાહત થઈ છે. ભારત ખાતેના યુએસ દૂતાવાસે ગુરુવારે એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ વિઝા એક વિશેષાધિકાર છે, તે અધિકાર નથી. વિઝા જારી થયા પછી તેની તપાસ બંધ થતી નથી અને જો કોઈ કાયદો તોડે છે તો અધિકારીઓ વિઝા રદ કરી શકે છે. વિદ્યાર્થી કે વિઝિટર વિઝા પર રહેલા વિદેશીઓ ગેરકાયદેસર ડ્રગ્સનો ઉપયોગ કરે અથવા કોઈપણ યુએસ કાયદાનો ભંગ કરશે તો ભવિષ્યમાં પણ વિઝા માટે ગેરલાયક બનશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.