ખામૈનીને ખતમ કરવાની ઇઝરાયેલની ધમકી

બીજી તરફ ઇઝરાયેલના હુમલાના વિરોધમાં શુક્રવારની નમાઝ પછી લાખો લોકોએ તેહરાનના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કર્યા હતાં
ઇઝરાયેલમાં હોસ્પિટલ સહિત અનેક ઇમારતો પર ઇરાને મિસાઇલો ઝીંકી
તેલ અવિવ,ઇઝરાયલ અને ઈરાને તેમની વચ્ચેના યુદ્ધના આઠમા દિવસે એકબીજા પર મિસાઇલ હુમલા ચાલુ રાખ્યાં હતાં. ઇરાનના મિસાઇલ હુમલાથી ઇઝરાયલમાં એક હોસ્પિટલ સહિત અનેક સ્થળોએ વિસ્ફોટો થયાં હતાં અને ઓછામાં ઓછા ૧૭ લોકોનાં મોત થયાં હતા અને સૈંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
હોસ્પિટલ પર મિસાઇલ હુમલા પછી ઇરાન સાથે આરપારની લડાઈની જાહેરાત કરતાં ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને ઇરાન સર્વાેચ્ચ નેતા ખામૈનીના અસ્તિત્વને ખતમ કરવાની ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઈરાનમાં સત્તા પરિવર્તન માટે કામ કરી રહ્યાં છે અને સરકાર સાથે જોડાયેલા ટાર્ગેટ પર વધુ હુમલા કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ ઈઝરાયલી સેનાએ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથના વરિષ્ઠ કમાન્ડરને મારી નાખ્યો હોવાનો દાવો કર્યાે છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસએ શુક્રવારે જણાવ્યું હતું કે કમાન્ડર અલી સાદી વાસ્ફી અલ-આઘા દક્ષિણ ગાઝા બ્રિગેડના લશ્કરી કમાન્ડર તરીકે સેવા આપતો હતો અને તે જૂથના વડા અસદ અબુ શરિયાનું સ્થાન લેવાનો હતો.બીજી તરફ ઇઝરાયેલના હુમલાના વિરોધમાં શુક્રવારની નમાઝ પછી લાખો લોકોએ તેહરાનના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કર્યા હતાં. ઇરાની બાબતોના વિશ્લેષક અબાસ અસ્લાનીએ જણાવ્યું હતું કે આજનો પ્રચંડ વિરોધ દર્શાવે છે કે ઇઝરાયલના દેશ પરના હુમલાને કારણે લોકો એકજૂથ બની ગયા છે.
ઈરાનના યુએન રાજદૂતે સુરક્ષા પરિષદને ઇઝરાયલને રોકવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ઇઝરાયલના હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન છે તે વૈશ્વિક અણુ બિનપ્રસાર સમજૂતી પરનો પણ હુમલો છે. જો સિક્યોરિટી કાઉન્સિલ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેનાથી સંદેશ જશે કે આંતરરાષ્ટ્રીય કાયદા અમુક દેશો પર જ લાગુ પડે છે. ss1