મોસાદની ‘માશૂકા’ યુદ્ધની બાજી પલટીને ગાયબ થઈ ગઈ

કેથરીન કયાં ગાયબ થઈ ગઈ તેની કોઈને માહિતી નથી
ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના યુદ્ધમાં તેહરાનમાંથી એકત્ર કરાતી ગુપ્ત માહિતી ઈઝરાયેલની સૌથી મોટી તાકાત સાબિત થઈ રહી છે
નવી દિલ્હી,ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના યુદ્ધમાં તેહરાનમાંથી એકત્ર કરાતી ગુપ્ત માહિતી ઈઝરાયેલની સૌથી મોટી તાકાત સાબિત થઈ રહી છે. એવામાં પ્રશ્નો થઈ રહ્યા છે કે કેવી રીતે ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદ આ તમામ જાણકારી એટલી સરળતાથી હાંસલ કરતી રહી છે. હવે આને લઈને મોસાદની એક મહિલા જાસૂસના મોટા ખેલનો ખુલાસો થયો છે. આ કોઈ જેમ્સ બોન્ડ ફિલ્મ નથી, પરંતુ એક હકીકત છે. ઈઝરાયેલની એજન્સી મોસાદની એક મહિલા જાસૂસ બે વર્ષ પહેલા ગુપ્ત રીતે ઈરાનમાં ઘુસી હતી.
મોસાદની આ મહિલા જાસૂસનું નામ કેથરીન પેરેજ શાકડમ છે. મૂળ ળાન્સની રહેવાસી છે. કેથરીન સ્માર્ટ, બ્યુટિફૂલ અને બોલ્ડ છે અને ઉચ્ચ તાલીમ પણ મેળવી હતી. કેથરીનના આકર્ષણે અને ચતુર યોજનાએ ઈરાનની સુરક્ષા એજન્સીઓને છેતરી નાંખી છે. આરંભમાં કેથરીને દાવો કર્યાે કે એ ફક્ત ઇસ્લામ અંગે જાણવા ઈચ્છુક છે એટલે શિયા ઇસ્લામ ધર્મ અપનાવ્યો. પછી ઇરાનના સરકારી અધિકારીઓની પત્નીઓ મળવાનું શરુ કરીને ઘરોબો કેળવી લીધો.
સમયની સાથે તેમનો ભરોસો જીતી લીધો અને તેમના ઘરોમાં નિયમિત મહેમાન બની ગઈ. જોતજોતામાં કેથરીન ઇરાની અધિકારીઓના ઘરોમાં અને સંવેદનશીલ પ્રતિબંધિત ક્ષેત્રોમાં ઘુસવા માંડી, જ્યાં સામાન્ય રીતે ચુસ્ત સુરક્ષા હોય છે. જ્યારે ઇરાની એજન્સીઓ ફોન અને આગંતુકોની સાવધાનીપૂર્વક તપાસ કરી રહી હતી, ત્યારે કેથરીન ગુપ્તરાહે તસવીરો લઈ રહી હતી અને ગુપ્ત માહિતી એકત્ર કરી રહી હતી.આ તમામ માહિતી કેથરીને સીધી જ મોસાદને મોકલી દીધી.
જેમ-જેમ ઇરાન અને ઈઝરાયેલની વચ્ચે તણાવ વધતો ગયો, તો કેટલાય ઇરાની અધિકારીઓને લાગ્યું કે તેઓ હવે સુરક્ષિત નથી, એટલે તેમણે પોતાના રહેઠાણ બદલી દીધા. પરંતુ દરેક વખતે જ્યારે ઈઝરાયેલનો હુમલો થતો, તો એટલો સટીક રહેતો કે એવું લાગતું કે કોઈએ જાણે ઈઝરાયેલના સૈન્યને વિસ્તૃત નકશો આપી દીધો છે. જ્યારે ઈરાનની જાસૂસી સર્વિસે તપાસ શરુ કરી તો ધીમે-ધીમે હકીકતો સામે આવવા માંડી. અધિકારીઓ સાથે લીધેલી તસવીરોથી કેથરીનની ઓળખ કરવામાં મદદ મળી.
પરંતુ ત્યાં સુધી કેથરીન ઈરાની અધિકારીઓની પહોંચીથી જોજનો દૂર જતી રહી હતી.કેથરીન કયાં ગાયબ થઈ ગઈ તેની કોઈને માહિતી નથી. ઈરાનની જાસૂસી એજન્સીએ આખા દેશમાં કેથરીનના પોસ્ટર અને તસવીરો ફેલાવી દીધી છે. પરંતુ કેથરીનનો કોઈ સુરાગ મળ્યો નથી. કેટલાક લોકોનું કહેવું છે કે કેથરીને ઓળખ બદલી દીધી છે અને હવે એ બીજા દેશમાં રહેવા જતી રહી છે. આજે, કેથરીન પેરેજ શકડમને ઇઝરાયેલના ઇતિહાસમાં સૌથી સાહસિક જાસૂસો પૈકી એક માનવામાં આવી રહી છે. કેથરીનના મિશને ઇરાનને ચોંકાવી દીધું છે, અને દુનિયાને પણ આશ્ચર્યમાં મૂકી દીધી છે.ss1