પ્રથમ ટેસ્ટમાં જયસ્વાલ અને ગિલની સદી, ભારતનો સંગીન પ્રારંભ

ટી બ્રેક બાદ જયસ્વાલની એકાગ્રતા તૂટી હતી
ઇંગ્લેન્ડ સામે ભારતના ૩/૩૫૯, જયસ્વાલના ૧૦૧, ગિલે કપ્તાનીના પ્રારંભે જ ૧૨૭ રન ફટકાર્યા
લીડ્ઝ,શુભમન ગિલની કેપ્ટન્સ ઇનિંગ્સ અને ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારતાં પ્રવાસી ભારતે શુક્રવારથી શરૂ થયેલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં અત્યંત મજબૂત પ્રારંભ કરીને ત્રણ વિકેટે ૩૫૯ રનનો સ્કોર ખડકી દીધો હતો. આમ મેચના પ્રથમ દિવસે જ ભારતે સંગીન સ્થિતિ હાંસલ કરી લીધી હતી.અહીંના હેડિંગ્લે ખાતે શરૂ થયેલી ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતને અંતે શુભમન ગિલ ૧૨૭ તથા રિશભ પંત ૬૫ રન સાથે રમતમાં હતા.
ગિલે ૧૭૫ બોલમાં ૧૬ ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ ૧૨૭ રન ફટકાર્યા હતા. જ્યારે રિશભ પંત ૬૫ રન સાથે રમતમાં હતો. તેણે ૧૦૨ બોલની ઇનિંગ્સમાં છ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. બંનેએ ૧૩૮ રનની ભાગીદારી નોંધાવી હતી.ઇંગ્લેન્ડે ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલ અને રાહુલે ભારત માટે મજબૂત પ્રારંભ કર્યાે હતો. કેપ્ટન શુભમન ગિલે ટોસ વખતે જ કહ્યું હતું કે આ પિચ પર તે પણ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવાનો હતો અને અંતે તેનો તર્ક સાચો પડ્યો કેમ કે રાહુલ અને જયસ્વાલે ૨૫ ઓવર સુધી હરીફ બોલરને સફળ થવા દીધા ન હતા.
બંનેએ ૯૧ રનની ભાગીદારી નોંધાવી ત્યારે રાહુલ ૭૮ બોલમાં ૪૨ રન ફટકારીને આઉટ થયો હતો. નવોદિત સાઈ સુદર્શન પણ તરત જ આઉટ થઈ ગયો હતો.જોકે જયસ્વાલ સાથે જોડાયેલા કેપ્ટન ગિલે મક્કમ બેટિંગ કરીને ભારતનો સ્કોર આગળ ધપાવ્યો હતો. બંનેએ લંચથી ટી બ્રેક વચ્ચે ઇંગ્લેન્ડના બોલર્સને હંફાવ્યા હતા. આ ગાળામાં ભારતે એકેય વિકેટ ગુમાવી ન હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરીને તેની સદી પૂરી કરી હતી.
મુંબઈનો આ ડાબેરી બેટ્સમેન લીડ્ઝ ખાતે સદી ફટકારનારો ભારતનો પ્રથમ ઓપનર બન્યો હતો. આ અગાઉ આ મેદાન પર ભારતીયો તરફથી છ સદી નોંધાઈ હતી પરંતુ કોઈ ઓપનર આમ કરી શકયો ન હતો.ટી બ્રેક બાદ જયસ્વાલની એકાગ્રતા તૂટી હતી અને વિરામ બાદ તરત જ હરીફ કેપ્ટન બેન સ્ટોક્સની બોલિંગમાં તે બોલ્ડ થઈ ગયો હતો. જયસ્વાલે ૧૫૯ બોલની ઇનિંગ્સમાં ૧૬ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૧૦૧ રન ફટકાર્યા હતા. જયસ્વાલની વિકેટ પડ્યા બાદ ગિલ અને પંતે મજબૂત બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડનો કોઈ બોલર આ બંનેને અંકુશમાં રાખી શક્યો ન હતો. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે બે વિકેટ લીધી હતી. ss1