સાબરકાંઠાના વડાલીમાં બારે મેઘ ખાંગા, ૨૪ કલાકમાં ૧૨ ઈંચ વરસાદથી જળબંબાકાર

ગુજરાતમાં આગામી ૬ દિવસ અતિભારે વરસાદની આગાહી
(એજન્સી)અમદાવાદ, રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૨૮ જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.
૨૩ જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
૨૪ જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના ૧૬ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં આૅરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે (૨૧ જૂન) રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાંન વિભાગના આંકડા અનુસાર, શનિવારે ૨૪ કલાકની અંદર સાબરકાંઠામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જિલ્લામાં વિવિધ જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગે છેલ્લાં ૨૪ કલાકના વરસાદના ડેટા જાહેર કર્યા છે. જે અનુસાર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વડાલી તાલુકામાં ૨૪ કલાકમાં ૧૨.૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં પણ ૧૦.૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. ઈડરમાં ૪.૯ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાબરકાંઠાના અન્ય વિસ્તારોમાં લગભગ ૧ ઈંચની આસપાસ વરસાદ નોંધાયો હતો.
નોંધનીય છે કે, ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૨૦ ટકા તેમજ પૂર્વ મધ્યમાં ૧૬ ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાનના આંકડા અનુસાર, ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોત તે વિસ્તારમાં ઉત્તર ગુજરાત જ મોખરે છે.
જેમાં સાબરકાંઠામાં ૧૨.૨ ઈંચ, બનાસકાંઠામાં ૧૦.૩ ઈંચ, અરવલ્લીમાં ૪.૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ ૩.૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ૧.૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ ૧ ઈંચની આસપાસ વરસાદ નોંધાયો હતો. વડોદરામાં પણ ૧.૧ ઈંચ વરસાદ નોંધાયો હતો.