Western Times News

Gujarati News

નોકરીની લાલચે થાઇલેન્ડ ગયેલા પોરબંદરના ૧૯ યુવા-યુવતીઓ છેતરાયા

Files Photo

હાઉસ કીપિંગ નોકરીના બહાને ચીટરોએ નાણાં ખંખેર્યા હતા

ઇન્ડિયન કોમ્યુનિટી બધાની વહારે આવી, મહિપતસિંહ ફાઉન્ડેશને તમામની પ્લેન ટિકિટની વ્યવસ્થા કરી

પોરબંદર,પોરબંદરના ૧૯ યુવક યુવતીઓને હાઉસ કીપિંગ નોકરી અપાવવાની લાલચ આપી થાઈલેન્ડ લઈ જવાયા હતા અને ત્યાં રસ્તે રઝડતા કરી દેવાયા હતા. આ તમામ રવિવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે. હવે પોરબંદર આવ્યા બાદ તેમની સાથે છેતરપિંડી કરનારાઓ સામે વિધિવત રીતે પોલીસ ફરિયાદ દાખલ થશે. તેમ જાણવા મળ્યું છે.પોરબંદર શહેર અને આજુબાજુના ગામડાના ૧૯ યુવક-યુવતીઓને થાઇલેન્ડમાં હોટલ અને હાઉસ કીપિંગની નોકરીના બહાને ચીટરોએ સાડા ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા ખંખેરીને રસ્તે રઝળતા કરી દીધા હતા.

ત્યારે ઇન્ડિયન કોમ્યુનીટીના લોકોએ તેમને ત્યાં મદદ પૂરી પાડી હતી. બીજી બાજુ મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા તમામ યુવક-યુવતીઓની ટિકિટની વ્યવસ્થા કરી દેવામાં આવતા રવિવારે બપોરે ૧૨.૩૦ કલાકે ફલાઇટમાં તેઓ ઇન્ડિયા આવવા રવાના થયા હતા. અને મોડી રાતે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.થાઇલેન્ડના પટાયા ખાતે નોકરીના બહાને લાખો રૂપિયા ચૂકવીને બે મહિના પહેલા ગયેલા ૧૯ જેટલા યુવક-યુવતીઓને નોકરી અપાવાઈ નથી.

તેથી તેઓ ત્યાં ફસાઈ ગયાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા થાઇલેન્ડમાં વસતી ઇન્ડિયન કોમ્યુનીટી દ્વારા તેમને પૂરતી મદદ કરવામાં આવી હતી. એ પછી મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન નામની સંસ્થા પણ તેમની મદદે આવતા તેઓ વતન પોરબંદર પહોંચી જાય એવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા એક શખ્સ અને એક પંજાબી શખ્સ દ્વારા તેઓને હોટલમા ઉતારીને પટાયા અને બેંગકોકમાં નોકરીના બહાને લઈ જવાયા હતા ને લાખો રૂપિયા પડાવી દેવાયા હતા. તેથી તેઓની સામે પોરબંદર આવ્યા બાદ વિધિવત રીતે પોલીસ ફરિયાદ દાખલ થશે. તેમ જાણવા મળ્યું છેss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.