Western Times News

Gujarati News

“જો હું વાળ કાપવાના એક લાખ લઉં છું તો એ મારી ફી છે”

બોલિવૂડના હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમે પ્રોડ્યુસર્સની ટીકા કરી

કલાકારોની ટીમનો ખર્ચ ત્રણગણો વધારી દેવાતા આલિમ હકીમ નારાજ

તાજેતરમાં આવેલી વિકી કૌશલની ફિલ્મ છાવામાં વિકીની હેરસ્ટાઇલ પણ આલિમ હકીમે જ ડિઝાઇન કરી હતી

મુંબઈ,આલિમ હકીમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સેલેબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ કહેવાય છે, જે ખાસ કરીને રજનીકાંત, સલમાન ખાન અને વિરાટ કોહલીની હેરસ્ટાઇલ માટે જાણીતો છે.
તે ફિલ્મમાં કલાકારોના લૂક તૈયાર કરવામાં પણ મદદ કરે છે, ૨૦૨૩માં આવેલી રણબીર કપૂરની ફિલ્મ એનિમલનો લૂક પણ તેણે જ આપ્યો હતો,

આ સિવાય તાજેતરમાં આવેલી વિકી કૌશલની ફિલ્મ છાવામાં વિકીની હેરસ્ટાઇલ પણ તેણે જ ડિઝાઇન કરી હતી. હવે તેણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યાે છે કે કેટલાંક હેર સ્ટાઇલિસ્ટ્‌સ એવા છે જે કલાકારોની ફિલ્મ હિટ જાય એનું શ્રેય લઇને પ્રોડક્શન હાઉસ પાસેથી ફી વધારવા માટે તેમને પરેશાન કરે છે.

તેણે કહ્યું, “ક્યારેક હેર સ્ટાઇલિસ્ટને લાગે છે કે તેમના વિના કલાકારો કામ જ નહીં કરે. તેઓ પ્રોડક્શન હાઉસને તેમની ફી ત્રણગણી વધારવા પરેશાન કરે છે. એ બેઇમાની છે તે અસૈદ્ધાંતિક છે.”તેણે આગળ કહ્યું, “તેઓ કલાકારોની અને અન્ય ટેન્કિશિયન્સની છાપ ખરાબ કરે છે.

હું હંમેશા તેમને પ્રોફેશનલ બનવા અને પોતાની ફી જાળવી રાખવાની સલાહ આપું છું.” તેની દલીલ હતી કે હેર સ્ટાઇલિસ્ટની ફી એકધારી રહેવી જોઈએ, તેના પર કલાકારની માર્કેટ વેલ્યુની અસર ન થવી જોઈએ.તેણે આગળ જણાવ્યું, “એક ફિલ્મ સુપર હિટ થાય કે ન થાય એમાં કોઈ ટેન્કિશિયનને શું ફેર પડે? તેમણે માત્ર કલાકારના વાળ કાપ્યા છે.

કલાકારે સારો અભિનય કર્યાે છે અને ડિરેક્ટરે સારી ફિલ્મ બનાવી છે એટલે એ ફિલ્મ હિટ ગઈ છે. એક્ટરને એ હેર સ્ટાઇલિસ્ટ સાથે ફાવતું હોય અને ફિલ્મ ૫૦૦ કરોડ કમાય તો એનો અર્થ એવો નથી કે તમે પણ તમારી ફી વધારી દો.”

તેણે હેર સ્ટાઇલિસ્ટ્‌સને એવી પણ સલાહ આપી હતી કે પ્રોડક્શન હાઉસને સહકાર આપે, કારણ કે ઘણી વખત તેઓ જેટલો ફી વધારો માગે છે એટલામાં તો એક ફિલ્મ બની જાય.

તેણે કહ્યું, “જો હું વાળ કાપવાના એક લાખ લઉં છું તો એ મારી ફી છે. પણ એનો મતલબ એવો નહીં કે હું કોઈ પાસેથી એક લાખ લઉં, કોઈ પાસેથી બે લાખ અને કોઈ પાસેથી પાંચ લાખ.

જો કોઈ પ્રોડક્શન હાઉસ મને બોલાવે છે, તો એમને મારી ફી ખબર છે અને તેઓ એ આપવાની તૈયારીમાં છે, પછી મારી છેલ્લી ફિલ્મ હિટ હતી કે ફ્લોપ એનાથી કોઈ ફરક પડતો નથી.

”તેણે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં મિત્રતા, સન્માન અને સિદ્ધાંતો વધારે મહત્વના છે. જો તમે કોઈને પરેશાન કરશો તો એ બધું જ ગુમાવશો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.