Western Times News

Gujarati News

ભરૂચ અને નવસારીમાં પણ પાણી ભરાયા: એસટીની ર૦૦ ટ્રીપ રદ કરાઈ

ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં વ્યાપક નુકસાન-અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યાઃ સુરતમાં પાણી ભરાઈ જતાં અંધારપટ છવાયો

સુરત, રાજ્યમાં અતિભાર વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે મુજબ આજે દ.ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતા સુરત, ભરૂચ, નવસારી જળબંબાકાર થઈ ગયું હતું. દ.ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. સુરતમાં બપોર બાદ વરસાદ ધીમો પડવા છતાં પાણી નહીં ઓસરતા લોકો ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ સવાર પાળીની સ્કૂલોના બાળકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા.

આ તમામ વિદ્યાર્થીઓને સહીસલામત ટ્રેકટરોમાં ઘરે મોકલવામાં આવ્યા હતા. સુરતમાં તાજેતરમાં જ વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપ લાઈન નાંખવામાં આવી છે. તેમ છતાં પાણી ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો. આજે સવારથી ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયો હતો. સુરતમાં પ્રથમ બે કલાકમાં જ ૬ ઈંચ જેટલો વરસાદ પડતાં પાણી ભરાઈ ગયા હતા અને દુકાનો તથા ઘરોમાં પાણી ઘૂસી જતાં વ્યાપક નુકસાન થયું હતું. હજુ પણ પાણી નહીં ઓસરતા સત્તાધીશોથી અણઆવડતના કારણે ઘરોમાં પાણીની વચ્ચે લાઈટ વગર નાગરિકો બેસી રહ્યા છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ આજે સવારે સુરતવાસીઓ કશું સમજે તે પહેલાં જ સાબેલાધાર વરસાદ પડવાનું શરૂ થયો હતો અને બે કલાકમાં ૬ ઈંચ જેટલો વરસાદ પડતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

સુરતમાં આ વખતે પાણી નહીં ભરાય તો સત્તાધીશોનો દાવો ખોટો પડયો હતો. સવારે તો સુરતમાં આભ ફાટયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧પ૯ તાલુકામાં વરસાદ પડયો હતો. સુરત સહિત દ.ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સવારથી વરસાદ પડવાનો શરૂ થયો હતો જેના પરિણામે નદીઓમાં નવાનીરની આવક થઈ હતી. તાપી પણ બે કાંઠે વહેવા લાગી હતી.

સુરત શહેર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રાંદેર વિસ્તારનો વિયરકમકોઝવે ઓવર ફલો થતાં તાત્કાલિક સ્થળ ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. સમગ્ર જિલ્લામાં પડેલા વરસાદના કારણે તેનું પાણી તાપી નદીમાં ઠલવાયું હતું અને નદી ગાંડીતૂર બની હતી. સુરત શહેરમાં સવારથી જ ભારે વરસાદના કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું અને તાત્કાલિક તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. જનજીવન સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું હતું.

સુરતમાં પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય એવા દૃશ્યો સર્જાયા હતા. સુરત, વલસાડ, ભરૂચ સહિત દ.ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડયો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.

સુરત શહેરમાં લોકો કશું વિચારે તે પહેલાં જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ભરાયેલા પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા હતા. જેના પરિણામે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સુરતની કાપડ માર્કેટમાં પણ નીચેની દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં વાહનો પણ ભરાયેલા પાણીમાં ડૂબી ગયા હતા. શહેરના ચોકબજાર વિસ્તારમાં સ્થાનિક પોલીસ ટીમે શાળાના બાળકોને ટ્રેકટરમાં રેસ્કયુ કરી ઘરે પહોંચાડયા હતા.

સુરતની સાથે સાથે ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદ પડયો હતો. જેના પરિણામે ભરૂચ શહેરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચ પણ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું અને જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. ભરૂચ શહેરમાં નાગરિકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. જિલ્લામાં પણ ગામોની અંદર પાણી ઘૂસી ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે. ભરૂચની સાથે સાથે નવસારીમાં પણ ધોધમાર વરસાદ પડતા સમગ્ર નગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

નવસારીની આસપાસના ગામોમાં પણ પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ઉપર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ હતી.

સમગ્ર દ.ગુજરાતમાં સવારથી જ પડેલા ભારે વરસાદના કારણે ડેમોમાં પણ પાણીની સપાટી વધી ગઈ હતી. એસટી વિભાગે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત શહેર ઉપરાંત દ.ગુજરાતના કેટલાક નગરોમાં બસો અટકાવી દીધી હતી. એસટી નિગમે કુલ ર૦૦ ટ્રીપો કેન્સલ કરી દીધી હતી. દ.ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આમ આજે મેઘરાજાએ દ.ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.