અમદાવાદમાં બફારાથી કંટાળેલા લોકોએ રાહતઃ મોડી સાંજે કેટલાંક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો-લાલ દરવાજા વિસ્તારમાં ઝાડની ડાળીઓ ભારે પવનને કારણે પડી હતી
(એજન્સી)અમદાવાદ, સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. સુરતમાં એક જ દિવસમાં ૮ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ અચાનકથી મોડી સાંજે પલટો આવ્યો હતો અને લાલ દરવાજા વિસ્તારમાં ઝાડની ડાળીઓ ભારે પવન સાથે વરસાદને કારણે પડી હતી.
શહેરના અનેક વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ વરસ્યો હતો. જેમાં સેટેલાઈટ, પ્રહલાદનગર, એસજી હાઈવે સહિત પૂર્વના પણ ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ધીમી ધારે વરસાદ પડવાને કારણે બફારાથી કંટાળેલા શહેરીજનોએ હાશકારો લીધો હતો અને લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો.
જોકે રાજ્યમાં આજે સૌથી વધારે વરસાદ સુરતમાં પડ્યો છે. સુરતમાં ભારે વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં ભારે માત્રામાં પાણી ભરાઈ ગયા છે.
જેમાં સૂર્યપુર ગરનાળા પાસે ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે બેંકના ૧૩ કર્મચારીઓ ફસાઈ ગયા હતા. આ કર્મચારીઓનું પોલીસ જવાનોએ ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કર્યું છે. પોલીસ જવાનોએ ગળાડૂબ પાણીમાં ઉતરીને આ બેંક કર્મચારીઓનું રેસ્ક્યુ કર્યું હતું. જેમાં જવાનોએ પોતાના જીવને જોખમમાં મૂકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
એક જ દિવસમાં અહીંયા ૮ ઈંચ વરસાદ પડતા શહેરના રોડ રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવી હાલત જોવા મળી હતી. ભારે વરસાદને કારણે અહીંયા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા.વરાછામાં ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સતત ધોધમાર વરસાદને કારણે અહીંયા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
જેના કારણે લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ અહીંયા વાહનચાલકો ખાસ કરીને વધારે હેરાન થયા હતા.
ભારે વરસાદની સ્થિતિ બાદ સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા ડ્ઢઈર્ંએ રજા જાહેર કરવા સૂચના આપી છે.
શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને પણ સલામત રીતે જલ્દીથી જલ્દી ઘરે પહોંચે એના માટેની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી બારડોલી પંથકમાં પણ પાણી પાણી થઈ ગયું છે. વહેલી સવારથી પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા જોવા મળી હતી.
બારડોલી અને નસારી સ્ટેટ હાઈવે પર અલનૂર રેસિડેન્સી નજીક પાણી ભરાઈ ગયા જેના કારણે અહીંયાના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડેલો. ભારે વરસાદને કારણે શહેરના અડાજણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. માર્કેટ નજીક પાણી ભરાઈ જવાને કારણે ભારે નુકસાન થયું હતું. બેઝમેન્ટમાં આવેલી અસંખ્ય દુકાનોમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. પરિસ્થિતિ એવી સર્જાઈ કે મોટર અને ડબ્બાઓ વડે પાણી કાઢવું પડ્યું હતું.