Western Times News

Gujarati News

ભારતમાં રાંધણગેસ સિલિન્ડરનો પુરવઠો ૧૬ દિવસનો: અછત સર્જાવાની શક્યતા ?

પ્રતિકાત્મક

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની નજીકના ભવિષ્યમાં પડનારી આડઅસરો

ભારતમાં ૩૩ કરોડ ગેસ સિલિન્ડરમાં દર ત્રણમાંથી બેની પશ્ચિમ એશિયામાંથી આયાત કરવામાં આવે છે

નવી દિલ્હી,ભારતીય ઘરોમાં ગેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા દર ત્રણ સિલિન્ડરમાંથી બે સિલિન્ડર પશ્ચિમ એશિયાથી આવે છે. હવે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાય છે તો આ પુરવઠામાં અવરોધ સર્જાઈ શકે છે. તેના લીધે સૌથી વધુ ઝાટકો રાજકીય રીતે સંવેદનશીલ કહી શકાય તેવા ગેસ સિલિન્ડર ધારકોના ઘરોને જ લાગશે. દેશમાં ૩૩ કરોડ ગેસ સિલિન્ડર જોડાણ છે. આ ૩૩ કરોડ એલપીજી જોડાણની સામે પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) જોડાણની સંખ્યા ૧.૫ કરોડ છે. આ સંખ્યા વધી રહી છે, પણ તેને એલપીજી જોડાણના સ્તરે પહોંચવામાં ખાસ્સો સમય લાગી શકે તેમ છે.

કમસેકમ બે દાયકા તેને લાગે તેમ માનવામાં આવે છે. પેટ્રોલિયમ પ્રધાન હરદીપપુરીએ ખાતરી આપી છે કે વિશ્વના ત્રીજા નંબરના તેલ આયાતકાર દેશ અને ચોથા સૌથી મોટા ગેસ ખરીદદાર ભારત આગામી કેટલાય અઠવાડિયાઓ સુધી તેની ઉર્જા જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે. ભારતીય નિષ્ણાતો માને છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ લંબાય તો સૌથી અસુરક્ષિત પુરવઠો હોય તો તે એલપીજીનો છે. છેલ્લા દાયકામાં સરકારના પ્રયત્નોના લીધે એલપીજીનો ઉપયોગ બમણો થઈ ૩૩ કરોડ ઘરો સુધી પહોંચી ગયો છે. તેનાથી દેશની આયાત પરની નિર્ભરતા વધી છે.

દેશની કુલ એલપીજીમાં ૬૬ ટકા હિસ્સો વિદેશથી આવે છે. તેમા ૯૫ ટકા હિસ્સો સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતર જેવા પશ્ચિમી એશિયન દેશોમાંથી આવે છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના આંકડા મુજબ ભારત પાસે આયાત ટર્મિનલ, રિફાઇનરીઓ અને બોટલિંગ પ્લાન્ટમાં જેટલી એલપીજી જમા કરવાની ક્ષમતા છે તે રાષ્ટ્રીય વપરાશની સરેરાશના ૧૬ દિવસ સુધી ચાલે તેટલી જ છે. એલપીજી અમેરિકા, યુરોપ, મલેશિયા અને આફ્રિકા જેવૈ વૈકલ્પિક સ્તોતો પાસેથી પણ મંગાવી શકાય છે.

રેશનિંગમાં કેરોસીનનો સપ્લાય બંધ થઈ ગયા પછી હવે જો ગેસના બાટલાની અછત સર્જાય છે તો વીજળીથી જમવાનું બનાવવું એકમાત્ર વિકલ્પ છે. જો કે અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો કે ઓઇલ માર્કેટ હવે ભૂરાજકીય જોખમોના ઝાટકા સહન કરતાં શીખી ગયું છે. કોઈપણ પ્રકારની ભૂરાજકીય ઘટના બને ત્યારે ટૂંકા સમયગાળા માટે ઓઇલમાં ઉછાળો આવે છે, પછી તે શમી જાય છે. પહેલા આવું રશિયા-યુક્રેન યુદ્ધ વખતે થયું હતું, તેના પછી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વખતે થયું હતું. હવે ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ વખતે આ સ્થિતિ જોવા મળી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.