ગર્ભવતી મહિલાને પાલખીમાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવાઈ

થાણેમાં રોડના અભાવે ગામડાઓમાં આરોગ્ય સેવાઓ, કથળેલા રોડ માળખાની પોલ ખુલી પાડતો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ
થાણે,મુંબઈને દેશનું આર્થિક પાટનગર ગણવામાં આવે છે અને તેની ભવ્યતાથી લોકો અંજાઈ જાય છે. પરંતુ મુંબઈથી ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલા થાણે જિલ્લાના ગામમાં હજી સુધી વિકાસ પહોંચ્યો નથી તેને ઉજાગર કરતો એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. થાણે જિલ્લાના શાહપુરના ચાફેવાડી ગામમાં રોડના અભાવે એક ગર્ભવતિ મહિલાને ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. ગામડાઓમાં આરોગ્યના કથળેલા માળખાની પોલ ખુલી પાડતા આ કિસ્સાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે બપોરે ૧.૩૦ કલાકે ચાફેવાડી ગામમાં રહેતી ૨૧ વર્ષીય ગર્ભવતિ મહિલા સંગીતા રવિન્દ્ર મુકાનેને ડોલીમાં (કામચલાઉ લાકડાના ઢાંચામાં) બેસાડીને એક કિલોમીટર દૂર ઉભેલી એમ્બ્યુલન્સમાં લઈ જવામામાં આવી હતી. તેને પ્રસવ પીડા ઉપડી હતી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ચાફેવાડી સુધી પાકો રોડ બન્યો નહીં હોવાથી એમ્બ્યુલન્સ ગાઈદંડ રોડ પર ઉભી રહી ગઈ હતી. ગર્ભવતિ મહિલાને એક કિલોમીટર સુધી ડોલીમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઈ હતી. વચ્ચે સંગીતાને આંચકી આવતા તેની તબિયત વધુ કથળી હતી.
ત્યારબાદ સમયસર હોસ્પિટલ પહોંચતા તેને પ્રાથમિક સારવાર અપાઈ હતી.આ મામલે સ્થાનિક કાર્યકર પ્રકાશ ખોડકાએ જણાવ્યું કે, આપણે ૨૦૨૫માં જીવી રહ્યા છીએ તેમ છતાં મોટા શહેરોની આસપાસના ગામડાઓની સ્થિતિ કફોડી છે. વારંવારની માગ છતાં પંચાયતે ચાફેવાડી ગામ સુધી પાકો રોડ બનાવ્યો નથી. સગર્ભાને થાણેની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ જ્યાં ડોક્ટર્સે પ્રાથમિક સારવાર આપતા તેની સ્થિતિમાં સુધારો થયો હતો.ss1