રાહુલની સદી, પંતની બંને દાવમાં સદી, ઇંગ્લેન્ડ સામે ૩૭૧નો ટારગેટ

વિકેટકીપર દ્વારા વિદેશી ધરતી પર મેચમાં સૌથી વધુ રન
પ્રથમ ટેસ્ટમાં બીજા દાવમાં પણ પૂંછડિયા બેટર્સે નિરાશ કર્યા, ભારતે ૩૧ રનમાં છેલ્લી છ વિકેટ ગુમાવી
લીડ્ઝ,ઓપનર રાહુલની સદી અને વિકેટકીપર રિશભ પંતની બીજા દાવમાં પણ સદીની સહાયથી પ્રવાસી ભારતે અહીં રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ૩૭૧ રનનો ટારગેટ આપ્યો છે. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે તેના બીજા દાવમાં વિના વિકેટે ૨૧ રન કર્યા હતા. આમ તેને જીતવા માટે હજી પણ ૩૫૦ રનની જરૂર છે અને તેની દસેય વિકેટ જમા છે.
આમ મંગળવારે મેચનો છેલ્લો દિવસ રસપ્રદ બની શકે છે. અહીંના હેડિંગ્લે ખાતે રમાતી ટેસ્ટમાં છ રનની સરસાઈ બાદ ભારતે તેના બીજા દાવમાં ૩૬૪ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેમાં રાહુલ અને પંતની સદી સામેલ હતી. અગાઉ ભારતે બે વિકેટે ૯૦ રનના સ્કોરથી સોમવારની ચોથા દિવસની રમતનો પ્રારંભ કર્યાે ત્યારે રમી રહેલો કેપ્ટન શુભમન ગિલ માત્ર આઠ રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. અહીં સુધી મેચ બેલેન્સ હતી પરંતુ આ તબક્કે કે એલ રાહુલ સાથે રિશભ પંત જોડાયો હતો. પ્રથમ દાવમાં સદી ફટકારનારા પંતે સોમવારે પણ શાનદાર બેટિંગ કરી હતી.
જોકે મેચમાં બીજી વાર ભારતના પૂંછડિયા બેટર્સનો ધબડકો થયો હતો. પ્રથમ દાવની માફક ભારતે આ ઇનિંગ્સમાં પણ છેલ્લે ૩૧ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.રિશભ પંતે બીજા સત્ર દરમિયાન પણ હરીફ ટીમના બોલર્સને મચક આપી ન હતી અને રાહુલ સાથે ચોથી વિકેટ માટે ૧૯૫ રનની વિશાળ ભાગીદારી નોંધાવી દીધી હતી. આ દરમિયાન રાહુલે તેની કારકિર્દીની સાતમી સદી પૂરી કરી હતી તો રિશભ પંતે મેચના બંને દાવમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. એક ટેસ્ટના બંને દાવમાં સદી ફટકારનારો તે વિશ્વનો માત્ર બીજો વિકેટકીપર બન્યો હતો. તેણે ૧૩૦ બોલમાં બે સિક્સર અને ૧૩ ચોગ્ગા સાથે તેની કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી પૂરી કરી હતી. આમ તે બંને દાવમાં સદી ફટકારનારો ભારતનો સાતમો બેટ્સમેન બન્યો હતો જેમાં સુનીલ ગાવસ્કરે ચાર વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. પંતની સદી પૂરી થવાની સાથે પેવેલિયનમાં હાજર ગાવસ્કરે તેને અભિનંદન પાઠવ્યા હતા.
જોકે ટી બ્રેકની થોડી વાર પહેલાં રિશભ પંત ૧૪૦ બોલમાં ૧૧૮ રન ફટકારીને આઉટ થઈ ગયો હતો. તેણે આ દરમિયાન ૧૫ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. ભારતીય વિકેટકીપર રિશભ પંતે ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ દરમિયાન બંને ઇનિંગ્સમાં સદી નોંધાવવાની સાથે કુલ મળીને ૨૫૨ રન ફટકાર્યા છે. ટેસ્ટ ઇતિહાસમાં કોઈ વિકેટકીપરે વિદેશી ધરતી પર રમીને એક મેચની બંને ઇનિંગ્સમાં સૌથી વધુ રન કર્યા હોય તેવી યાદીમાં રિશભ પંત હવે ત્રીજા ક્રમે આવી ગયો છે. ઝિમ્બાબ્વેના વિકેટકીપર એન્ડી ફ્લાવરે ૨૦૦૦-૦૧ના ભારત પ્રવાસ દરમિયાન ઉપરી ઉપરી બે ટેસ્ટમાં આ રીતે ૨૫૦ વધુ રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડની ધરતી પર વિદેશી વિકેટકીપરે મેચના બંને દાવમાં મળીને સૌથી વધુ રન ફટકાર્યા હોય તેવી યાદીમાં રિશભ પંત મોખરાના સ્થાને છે.ss1