Western Times News

Gujarati News

મુંબઈમાં ૫ દિવસ ભયંકર વરસાદ અને હાઈ ટાઈડની ચેતવણી

(એજન્સી) મુંબઇ, ભારતીય હવામાન વિભાગે ૨૪ જૂનથી ૨૮ જૂન સુધી મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ૨૪ જૂનથી ૨૮ જૂન, ૨૦૨૫ સુધી સતત ૫ દિવસ માટે દરિયામાં હાઈ ટાઈડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાઈ ટાઈડ એટલે કે ભરતી દરમિયાન દરિયામાં સાડા ચાર મીટરથી વધુ ઊંચા મોજા ઉછળી શકે છે.

૨૫ થી ૩૦ જૂન સુધી મુંબઈમાં હવામાન ખરાબ રહેશે. ભારે વરસાદની શક્્યતા છે. ૨૪ જૂનથી ૨૮ જૂન સુધી હાઈ ટાઈડની શક્્યતા છે. આજે સવારે ૧૧ઃ૧૫ વાગ્યે અરબી સમુદ્રમાં ૪.૫૯ મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર સુધીના ૪ મહિનામાં ૧૯ દિવસ સુધી હાઈ ટાઈડનું એલર્ટ જાહેર કર્યું છે.

તેમજ મુંબઈમાં દરિયો તેના રૌદ્ર સ્વરૂપમાં હોવાથી, બીએમસીએ પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવાની સલાહ આપી છે. મુંબઈ પોલીસે મુંબઈના જૂહુ સહિત અન્ય બીચ પર તકેદારી વધારી દીધી છે. બીએમસીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી ૨ દિવસમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધશે. ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, રાજસ્થાન, પંજાબના કેટલાક ભાગો, હરિયાણા-ચંદીગઢ અને દિલ્હીના કેટલાક વિસ્તારો, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ આગળ વધશે.

તેમજ ૨૫ જૂનથી ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી ૭ દિવસમાં મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.