રથયાત્રામાં ભીડ વધી જાય અથવા આગ લાગે તેવા સમયે AI ટેકનોલોજી મદદ લેવાશે

૪૮૪ જેટલી જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ દ્વારા ચેતવણી સુચક બોર્ડ મુકીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીની તાકીદ
૨૩,૮૮૪ સુરક્ષા કર્મીઓ ફરજ પર રહેશે: જગન્નાથ રથયાત્રા નિમિત્તે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ
· ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા GPS સિસ્ટમનો ઉપયોગ.
· ૧૬ કિ.મી. પરની સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે ૪૫૦૦ જેટલા વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.
· ટ્રાફિક નિયમન માટે ૧૦૦૦ કર્મીઓ ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા.
· ૨૨૭ કેમેરા-૪૧ ડ્રોન-૨૮૭૨ બોડીવોર્ન કેમેરા અને ૨૪૦ ધાબા પોઈન્ટ – ૨૫ વોચ ટાવર દ્વારા લાઈવ મોનિટરિંગ થશે.
· યાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે ૧૭ જન સહાયતા કેન્દ્રો અને ૪૪ પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત રહેશે.
(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૮મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.
અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની વિગતો આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.
આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે.
અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે
એઆઈના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબુમાં રાખી શકાશે અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે. એટલું જ નહિ, ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માતે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે.
રથયાત્રાનું આ પર્વ શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની સજ્જતા દર્શાવતાં આ પ્રેઝન્?ટેશનમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને જીઇઁ, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત ૨૩,૮૮૪થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.
રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૦૦૦ જેટલા જવાનો તૈનાત રહેશે. એટલું જ નહી, ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે ૨૨૭ કેમેરા, ૪૧ ડ્રોન, ૨૮૭૨ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે આ ઉપરાંત ૨૪૦ ધાબા પોઈન્ટ અને ૨૫ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. ૧૬ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે.
રથયાત્રાના રૂટ પર આવેલી ૪૮૪ જેટલી જુની અને જર્જરીત ઈમારતો-મકાનોનો સહારો લોકો રથયાત્રા જોવા માટે ન લે તે હેતુસર શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ચેતવણી સુચક બોર્ડ તેમજ પતરાની આડશો મુકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેના જે પગલા લેવામાં આવ્યા છે તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર ૧૭ જેટલા જન સહાયતા કેન્દ્રો અને ૪૪ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે. આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની ૧૭૭, મહોલ્લા સમિતિની ૨૩૫ તેમજ મહિલા સમિતિની ૫૭ બેઠકો, વિવિધ ધર્મગુરુઓ સાથે ૨૧ બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે ૧૦ જેટલી બેઠકો યોજવામાં આવી હતી.
આ ઉપરાંત એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી હતી. રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.