બાપા સીતારામ જંકશનથી ગિફટ સિટીને જોડતા માર્ગને આઠ લેન કરાશે

બાલવાથી ગોઝારીયાના ૧પ કી.મી.ના માર્ગને પણ પહોળો કરવામાં આવશે
ગાંધીનગર, ગાંધીનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને કનેક્ટિવિટી સુધારવા માટે ગિફટ સિટીને જોડતા માર્ગોને સુધારવા અને જિલ્લાના અન્ય્ માર્ગોને સઘન બનાવવા માટે બે મુખ્ય પ્રોજેકટસ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેકટસમાં રૂ.૧.૧૯ અબજથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે.
ગિફટ સિટીને જોડતો ર.પ કિલોમીટરનો માર્ગ પહોળો કરવો ઃ બાપા સિતારામ જંકશનથી ગીફટ સિટી સુધીના આ ર.પ કી.મી.લાંબા માર્ગને ચાર લેનમાંથી આઠ લેનનો કરવામાં આવશે. આ પ્રોજેકટ માટે રૂ.૩ર.૭પ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. બાલવાથી ગોઝારિયા સુધીના ૧પ કિ.મી.લાંબા માર્ગનું વિસ્તરણ કરાશે.
આ માર્ગને પણ પહોળો કરવામાં આવશે, જેના માટે રૂ.૮૭.૦૪ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ગિફટ સિટીની કનેક્ટિવિટી શરૂઆતથી જ એક મહત્વનો મુદ્દો રહ્યો છે. બે વર્ષ પહેલાં ગિફટ સિટી દ્વારા રોડ એન્જિનિયરિંગમાં જરૂરી સુધારાઓ સૂચવતો એક વિગતવાર પ્રોજેકટ રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે સંબંધિત તમામ વિભાગોને આ દિશામાં આગળ વધવા સ્પષ્ટ સૂચના આપી હતી.
આ સૂચના અન્વયે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તેમની હદમાંથી પસાર થતા અને ગિફટ સિટી પહોંચતા રસ્તાઓને પહેલાથી જ પહોળા કરવામાં આવ્યા છે અને નવા રસ્તાઓ પણ બનાવવમાં આવ્યા છે. હવે પાટનગર યોજના વિભાગ દ્વારા આ બંને નવા પ્રોજેકટસને મંજૂરી મળી ગઈ છે અને તેના સંબંધે વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.