Western Times News

Gujarati News

ગાઝામાં મે મહિનાના અંત સુધીમાં ફૂડ વિતરણ કેન્દ્ર પર હુમલામાં ૪૧૦ના મોત

ગયા મહિને ગાઝામાં પાંચ હજાર બાળકો કુપોષણનો શિકાર, પાંચ મહિનામાં ૧૬ હજારને દાખલ કરવા પડયા : યુનિસેફ

ઇઝરાયલે ગાઝામાં ભોજન માટે ઉભેલા લોકોને ગોળીઓ ધરબી

ગાઝા,ઈઝરાયલે ગાઝામાં કાળો કેર વર્તાવ્યો છે. ૫૦૦૦૦થી વધુ લોકોના જીવ લીધા બાદ પણ તે ગાઝામાં હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. ત્યાં લાખો લોકોને ઘરવિહોણાં કર્યા બાદ છેલ્લા ઘણા દિવસોથી ગાઝાની નાકાબંધી કરી રાખવાને લીધે ત્યાં ભૂખમરાંની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાહત કેમ્પોમાં આશ્રય લેનારા લોકોને પણ ઈઝરાયલ બખ્શી રહ્યું નથી. તાજેતરમાં રાહત કેમ્પમાં ફૂડ પેકેટ મેળવવા માટે લાઈનમાં ઊભેલા લોકો પર સતત ગોળીબારની ઘટનાઓ બની રહી છે.

ત્યાં ફરી એકવાર આવી ઘટનામાં ૪૦ લોકો માર્યા ગયા છે અને ૧૫૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.મધ્ય ગાઝાના નુસરતમાં અલ-આવદા હોસ્પિટલમાં ૨૦થી વધુ મૃતદેહો લવાયા હતા, આ હોસ્પિટલ સાથે જોડાયેલા મારવાન અબુએ કહ્યું હતું કે આ લોકો નજીકમાં અમેરિકા દ્વારા સંચાલિત ફૂડ વિતરણ કેન્દ્ર પર ગયા હતા તે સમયે જ ઇઝરાયેલ દ્વારા તેમના પર હુમલો કરી દેવાયો હતો અને ભારે ગોળીબાર કર્યાે હતો.

આ હુમલામાં ૧૫૦થી વધુ લોકો ઘવાયા છે. જ્યારે બાળકો પર કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફે ગાઝાને લઇને એક રિપોર્ટ જાહેર કર્યાે છે અને કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં મે મહિનામાં જ પાંચ હજારથી વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. આ વર્ષની શરૂઆતથી જ દરરોજ ૧૧૨ બાળકોને કુપોષણ સામે સારવાર આપવા માટે દાખલ કરાઇ રહ્યા છે. જ્યારે આ વર્ષે મે મહિનાના અંત સુધીમાં કુપોષણની સારવાર માટે કુલ ૧૬૩૭૬ બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે રાહત કેમ્પોમાં રહેતા કે ફૂડ વિતરણ કેન્દ્રો પર ભોજન ફંફાળી રહેલા નાગરિકો પર ઇઝરાયેલ દ્વારા કરાઇ રહેલા હુમલાની સંયુક્ત રાષ્ટ્રે ટિકા કરી હતી અને તેને યુદ્ધનો ગુનો ગણાવ્યું હતું. મે મહિનાના અંતે ગાઝામાં શરૂ કરાયેલા ફૂડ વિતરણ કેન્દ્રો પર ઇઝરાયેલ દ્વારા અત્યાર સુધી કુલ ૪૧૦ લોકોનો ભોગ લેવામાં આવ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.