અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશન દ્વારા આકારણીને લઈને નવી એપ્લિકેશન તૈયાર કરી

મિલકતની તમામ વિગતો અપલોડ કર્યા બાદ એપ આપોઆપ અંદાજિત ટેક્સ બિલ તૈયાર કરશે
નાગરિકો એપ પર મિલકતની વિગતો મૂકીને જાતે જ આકારણી કરી શકશે
અમદાવાદ,અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશન દ્વારા આકારણીને લઈને નવી એપ્લિકેશન તૈયાર કરી છે. જેની મદદથી નાગરિકો પોતે જ તેમાં સંપૂર્ણ વિગતો અપલોડ કરી શકશે. સામાન્ય રીતે શહેરમાં ચાર વર્ષે આકારણી થતી હોય છે અને આ દરમિયાન બનેલા મકાનોની આકારણીને લઈને પ્રશ્નો ઊભા થતા હોય છે. આવા મકાનો માટે તંત્રને વારંવાર જાણ કરવા છતાં આકારણી થતી ન હોવાની ફરિયાદો ઊઠતી હતી.
જેથી હવે નાગરિકો પોતાની રીતે જ બધી વિગતો ઓનલાઈન અપલોડ કરશે અને તેના આધારે અંદાજીત ટેક્સ બિલ તૈયાર થશે. ત્યારબાદ સાત દિવસમાં જ મ્યુનિ.કોર્પાેરેશનના કર્મચારી ઘરે આવીને તમામ દસ્તાવેજોની ચકાસણી તથા માપણી કરશે. જેના આધારે ચોક્કસ રકમ સાથેનું ટેક્સ બિલ મકાનમાલિકને મળતું થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશન દ્વારા દર ચાર વર્ષે મકાનોની આકારણી કરવામાં આવતી હોય છે. જેના આધારે મકાનોના ટેક્સ બિલ તૈયાર કરવામાં આવે છે.
જોકે, બે આકારણી વચ્ચેના સમયગાળા દરમિયાન મકાનો તૈયાર થયા હોય તો તેની આકારણીને લઈને તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેથી કોર્પાેરેશન દ્વારા આ સમસ્યાના કાયમી સમાધાન માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે અને તેની મદદથી આવા મકાનોની સેલ્ફ આકારણી થાય તે પ્રકારની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, જે નાગરીકો પોતાની મિલકતની સત્વરે માપણી કરાવવા માંગતા હોય તેમના માટે આ ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન પર જઈને નાગરિકો પોતાની રીતે જ ઓનલાઈન તમામ જરૂરી દસ્તાવેજો તેમજ મિલકતનો પ્રકાર અને મિલકતની માપણીની વિગતો અપલોડ કરશે. નાગરિક દ્વારા અપલોડ કરવામા આવેલી વિગતોના આધારે એપ્લિકેશન દ્વારા તરત જ અંદાજીત બિલ જનરેટ કરી દેવામાં આવશે. આમ, નાગરિકો દ્વારા જે ડોક્યુમેન્ટ આપવામાં આવશે તેના આધારે બિલ તૈયાર કરી દેવાશે.