Western Times News

Gujarati News

ઇલેક્શનની વાત અને કલાકારોમાં કશું નવું ન મળતાં દર્શકો નિઃરાશ

‘પંચાયત સીઝન ૪’ના એપિસોડ્‌સ રીલિઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે

પંચાયત સીઝન ચાર મજબુત કલાકારો છતાં કાચી રહી ગઈ

મુંબઈ,ઓટીટીની લોકપ્રિય સિરીઝ ‘પંચાયત’ની ચોથી સીઝન આવી ગઈ છે. જેમાં જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ જ્હા સહીતના કલાકારો મહત્વના રોલમાં છે. આ સિરીઝની આગળની ત્રણ સીઝન જોતાં આ સીઝન પાસે દર્શકોને ઘણી અપેક્ષાઓ હતી. ખાસ કરીને ત્રીજી સીઝન એક ઇમોશનલ બાબત પર લટકતી રખાયા પછી દર્શકોને એવું લાગે છે કે આ સીઝનમાં આગળની સીઝન જેટલી પકડ નથી.

ચોથી સીઝનમાં ફુલેરામાં મંજુ દેવી અને ક્રાંતિ દેવી વચ્ચે ચૂંટણીની સ્ટોરી છે, જેમાં બ્રીજ ભુષણ એટલે કે પ્રધાનજી અને બનરાકસ પણ ચૂંટણી પ્રચારમાં જોડાય છે અને તેમના ષડયંત્રો અને ચાલ, ટિકાઓ અને કટાક્ષો વચ્ચે સમગ્ર ગામમાં અંધાધુંધી મચે છે. પરંતુ આ વખતની સીઝનમાં નવી ઉર્જા લાવવાને બદલે વાર્તાનો પ્લોટ ખેંચાયેલો લાગે છે. સમગ્ર સીઝનના કેન્દ્રમાં ચૂંટણી જ છે, એ પણ પરિણામ વીનાની. કારણ કે છેલ્લો એપિસોડ અડધેથી અટકાવી દેવાયો છે, તેનો બીજો ભાગ હવે આગળની સીઝનમાં જ જોવા મળશે, ત્યાં સુધીમાં લોકોનો ઉત્સાહ ટકશે કે કેમ તે પણ પ્રશ્ન છે.

આ ઉપરાંત આ સિરીઝના ફૅન્સને એવી પણ આશા હતી કે આ સીઝનમાં સચિવજી અને રિંકી વચ્ચે રોમાન્સ જોવા મળશે, એ બંનેની સ્ટોરી ક્યાંક આગળ વધશે, પરંતુ તેમાં પણ નિઃરાશા જ મળી છે. તેમના પાત્રો અને તેમનો સંબંધ પણ હતો ત્યાંનો ત્યાં જ છે. તે ઉપરાંત આગળની સિરીઝમાં પ્રધાનજી અને વિધાયકજી વચ્ચે ટક્કર થઈ હતી, તે પણ આ સિરીઝમાં આગળ વધશે એવી દર્શકોને આશા હતી, પરંતુ એ તો વાર્તા જ આ સીઝનમાં ભુલાઈ ગઈ છે.

ગઈ સીઝનમાં છેલ્લે પ્રધાનજીને ગોળી વાગી હતી, તો એ અંગે પણ દર્શકોને આગળ જાણવાની ઇચ્છા હતી, પરંતુ એ વાત પણ જાણે આ સીઝનમાં ભુલાઈ જ ગઈ છે.આ સિરીઝની ખાસિયત સચિવજી, વિકાસ, પ્રહલાદ ચા અને પ્રધાનજી વચ્ચેની દોસ્તી હતી, એમાં પણ ખાસ ધ્યાન અપાયું નથી. તેમના એકસાથે હોય એવા સીન જ ઘણા ઓછા છે. વચ્ચે પ્રહલાદ ચા અને વિકાસ વચ્ચે એક ભાવુક વાત શરુ જરૂર થાય છે, પરંતુ એ પણ અધવચ્ચે છોડી દેવાય છે. આ વધી નિઃરાશાઓ વચ્ચે પણ લોકોને આ દમદાર કલાકારોના અભિનયમાં તો મજા આવી જ છે. સાથે એક નવો નાનો કલાકાર પણ આ સિરીઝ સાથે જોડાયો છે, તેની પણ ઘણી નોંધ લેવાઈ છે. તેથી ઘણા લોકોને એવું લાગે છે કે આ સીઝનમાં મેકર્સ તક ચુકી ગયા જેવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.