Western Times News

Gujarati News

જેકલિન ફર્નાન્ડિઝને ઇટાલિયન ગ્લોબલ સિરીઝ ફેસ્ટિવલ ૨૦૨૫માં સન્માનિત કરાઈ

જેકલિને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ઇવેન્ટની સુંદર તસવીરો શેર કરી હતી અને આ સન્માન માટે આભાર પણ વ્યક્ત કર્યાે

મુંબઈ,જેકલિન ફર્નાન્ડિઝનું તાજેતરમાં જ ઇટાલિયન ગ્લોબલ સિરીઝ ફેસ્ટિવલ ૨૦૨૫માં સન્માન કરવામાં આવ્યું છે. ઇટાલીના રિમિની ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત એવોર્ડની ગ્રાન્ડ ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં ‘હાઉસફુલ ૫’ની આ એક્ટ્રેસને સન્માનિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટનો હેતુ ગ્લોબલ ફિલ્મ અને ટેલિવિઝનની ઉત્તમ બાબતોને ઉજવવાનો છે.જેકલિને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ઇવેન્ટની સુંદર તસવીરો શેર કરી હતી અને આ સન્માન માટે આભાર પણ વ્યક્ત કર્યાે હતો.

તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “સિનેમા મારા માટે એક કળા છે, જે માત્ર નાર્તા નથી કહેતી પણ વિવિધ સમય, ભાષા અને પ્રદેશના લોકોને જોડવાનો એક રસ્તો છે. દુનિયા સાથે એ વહેંચવામાં મદદરૂપ થવા માટે મારી નોંધ લેવાવી એ બાબત શબ્દોથી રજૂ કરવા કરતાં ઘણી વધારે છે.”આઈજીએસએફ દુનિયાભરનાં કલાકારોને આ રીતે સન્માનિત કરવા માટે જાણીતું છે અને આ વખતના પ્રતિષ્ઠિત એવોર્ડીઝમાં જેકલિન પણ સામેલ હતી. આ એવોર્ડથી વધુ નમ્રતા અનુભવતા પોતાની પોસ્ટમાં જેકલિને કહ્યું, “આઈજીએસ ફેસ્ટિવલમાં બધાં જ અદ્દભુત એવોર્ડીઝ સાથે રિમિનીમાં તમારા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં સન્માન થવું એ મારા માટે ખુબ ગૌરવની વાત છે.

દુનિયાભરમાં સિનેમાની ઉજવણીની ખાસ પળો માટે માન છે.”જો જેકલિનના કામની વાત કરવામાં આવે તો, તાજેતરમાં જ જેકલિનની કોમેડી ફિલ્મ હાઇસફુલ ૫ રિલીઝ થઈ છે, જે તરુન મનસુખાની દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ ૬ જૂને રિલીઝ થઈ હતી અને તેમાં અક્ષય કુમાર, સંજય દત્ત, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન સહીત ઘણાં જાણીતા કલાકારો છે. આ ઉપરાંત જેકલિને થોડાં વખત પહેલાં ‘હૈ જૂનુન! ડ્રીમ ડેર ડોમિમનેટ’ સિરીઝમાં પણ કામ કર્યું હતું, જે અભિષેક શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી, તેમાં નીલ નિતિન મુકેશ અને બોમન ઇરાની પણ મહત્વના રોલમાં હતા.

જેકલિન ફર્નાન્ડિઝ મૂળ શ્રીલંકાની છે અને ભારતીય સિનેમામાં તેણે પોતાની અલગ જગ્યા પણ બનાવી છે. તેનો ઉછેર બહેરીનમાં થયો હતો અને તેણે સિડનીમાં માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યાે હતો અને શ્રીલંકામાં જ એક ટીવી રિપોર્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેણે મોડેલિંગમાં ઝંપલાવ્યું હતું અને મિસ યુનિવર્સ શ્રી લંકા ૨૦૦૬ બની હતી. ત્યાંથી તેણે મિસ યુનિવર્સ સ્પર્ધામાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.