પિતાએ પુત્રને હરાવ્યો તો કોઈ એક વોટથી બન્યા સરપંચ

ગાંધીનગર, કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર પડી છે. બુધવારે ગુજરાતમાં ૪૫૬૪ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વધુ સત્તા અપાતાં હવે સરપંચ બનવા દાવેદારો થનગની રહ્યાં છે.
અત્યાર સુધીમાં કુલ ૭૫૧ ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે, ત્યારે પરિણામ બાદ ખબર પડશે કે, પંચાયતો પર કોણે પ્રભુત્વ જમાવ્યુ છે. અમરેલીમાં પણ એક જોરદાર સમાચાર સામે આવ્યા. અહીં મોતીબેન ડાયાભાઈ સૌંદરવા નામના બા સરપંચ બન્યા. તમને જાણીને નવાઈ લાગશે કે એમની વય ૮૦ વર્ષ છે. તેમનો વિજય ૩૮૬ વોટથી થયો છે. જીતની સાથે તેમ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
અરવલ્લીના મેઘરજમાં આવેલી પટેલ ઢુંઢા પંચાયતના વોર્ડ-૬ની મતગણતરી દરમિયાન ટાઈ પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં પણ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરાયા. વોર્ડ સભ્ય તરીકે રણજીત ડામોરને વિજેતા જાહેર કરાયા. અહીં લડનારા બંને ઉમેદવારોને ૫૮-૫૮ વોટ મળતાં ટાઈ પડી હતી.
વડોદરામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે સવારે મત ગણતરી શરૂ થઈ હતી. દશરથ ખાતે આવેલી એમ.પી.પટેલ હાઇસ્કુલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા તે સમયે ગાયો ધસી આવતા ભારે નાસભાગ સર્જાઈ હતી. સ્થળ પર હાજર લોકોએ તેમ જ પોલીસે પણ ગાયોને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે ગાયો દોડવા લાગતા લોકોમાં પણ નાસભાગ સર્જાઇ હતી.
ડાંગના ગલકુંડ ગ્રામપંચાયતમાં પણ અનોખો કિસ્સો સામે આવ્યો. અહીં પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ હવે સરપંચ બની ગયા છે. પિતાએ ૫૭૬ મતની લીડ સાથે પુત્રને પરાજિત કર્યો. ગલકુંડ આહવામાં આવેલ છે.
મહેસાણામાં પણ પઢારિયા ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ સામે આવ્યા. અહીં રતનસિંહ ચાવડા સરપંચ પદના ઉમેદવાર હતા જેઓ ફક્ત એક વોટના અંતરથી વિજયથી થતા કૂતુહલ સર્જાયું હતું.
ગાંધીનગર જિલ્લાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના બંને ઉમેદવારોને સરખા મત એટલે કે ૩૩૮-૩૩૮ મત મળ્યા હતા, જેથી ટાઇ સર્જાઇ હતી. જેથી ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી ઉછાલતાં હાર્દિક બારોટનું નામ ખૂલ્યું હતું. જેથી પરેશ બારોટને હારનો સામનો કરવો પડ્યો હતો.