અમદાવાદનો આર્યન નેહરા જીત્યો ૭૮મી રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધા

File Photo
(એજન્સી)અમદાવાદ, ગુજરાતના ઉભરતા સ્વિમર આર્યન નેહરાએ ભુવનેશ્વર ખાતે યોજાયેલી ૭૮મી સિનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૪૦૦ મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે.
અમદાવાદના આર્યને પોતાનું અસાધારણ કૌશલ્ય દેખાડી માત્ર ૩ઃ૫૫.૯૬ મિનિટમાં આ સિદ્ધિ હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેના કારણે તે સિંગાપોર ખાતે આગામી સમયમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
આર્યનની ખાસ આ સિદ્ધિની વાત કરીએ તો, આ રેસમાં આર્યને લેન ૫માં સફેદ કેપ પહેરીને સ્વિમિંગ કરી હતી. પહેલાં તે ૩૦૦ મીટરના તબક્કે પાંચમા સ્થાને હતા, પરંતુ અંતના ૧૦૦ મીટરમાં અવિશ્વસનીય રીતે ઝડપ પકડી અને શાનદાર ફિનિશિંગ સાથે રેસ જીતી લીધી હતી. આ જીતે તેમને આવતા મહિને સિંગાપોર ખાતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક અપાવી છે, જે ઓલિમ્પિક્સ પછીની વૈશ્વિક સ્તરે સૌથી મોટી સ્વિમિંગ ઇવેન્ટ છે.
નોંધનીય છે કે, આર્યનની આ માત્ર પહેલી સિદ્ધિ નથી, તેણે આ પહેલાં ૨૦૨૩માં હૈદરાબાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૪૦૦ મીટર ફ્રીસ્ટાઇલમાં ૩ઃ૫૨.૫૫નો નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો,
જે ભારતીય તરવૈયા દ્વારા અત્યાર સુધીનો સૌથી ઝડપી સમય હતો. આ સિવાય તેણે ૨૦૨૩માં જ ૧૫૦૦મી અને ૮૦૦મીની સ્વિમિંગ કેટેગરીમાં પણ નેશનલ રેકોર્ડ્સ તોડ્યા હતા. ત્યારે આ વખતે ભુવનેશ્વરમાં તેમની અદભૂત પ્રદર્શને ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરવા માટે સજ્જ છે.
રેસનો સંપૂર્ણ વીડિયો જોતાં, તેમાં ભારતના ટોપ સ્વિમર્સ વચ્ચેની રોમાંચક સ્પર્ધા જોવા મળે છે. આ વીડિયોમાં આર્યનની નોંધપાત્ર પુનરાગમન અને વિજયની ઉજવણીની ક્ષણોને કેદ કરવામાં આવી છે, જે દરેક રમતપ્રેમી માટે જોવી જોઈએ. આર્યનની આ જીત તેની મહેનત, સમર્પણ અને અદમ્ય ઈચ્છાશક્તિનું પરિણામ છે. ખાસ કરીને છેલ્લા ૧૦૦ મીટરમાં તેણે જે રીતે ઝડપ અને ધીરજ દર્શાવી, તે ખરેખર પ્રેરણાદાયક છે.
નોંધનીય છે કે, આ રેસમાં ૩ઃ૫૫.૯૬ ટાઈમિંગ સાથે પ્રથમ આવેલા અમદાવાદના આર્યન બાદ, ૩ઃ૫૬.૮૪ સાથે દિલ્હીના કુશાગ્ર રાવતે સિલ્વર મેડલ તથા ૩ઃ૫૭.૧૭ સાથે કર્ણાટકના એનિસ ગોવડાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આર્યનની આ સિદ્ધિ પર અમદાવાદ અને ગુજરાત ગર્વ અનુભવે છે. જોકે, સિંગાપોરમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમના પ્રદર્શન પર દેશભરના ચાહકોની નજર રહેશે.