Western Times News

Gujarati News

નાના વિરુદ્ધ દોહિત્રીની છેડતીની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટનો સ્પષ્ટ ઇનકાર

ચાર વર્ષની બાળકીના માતા-પિતા વચ્ચે સમાધાનથી છુટાછેડા થયા હોવાથી નાનાનો ગુનો માફ થાય નહીંઃ હાઈકોર્ટ

અમદાવાદ,એક મહત્ત્વપૂર્ણ કેસમાં હાઈકોર્ટે ચાર વર્ષની દોહિત્રીની છેડતી કરનાર નાના સામેની ફરિયાદ રદ કરવાનો ઈન્કાર કર્યાે છે. આ કેસમાં આરોપી વૃદ્ધની દીકરી અને તેના પતિ વચ્ચે સમાધાન થઈ જતાં ફરિયાદ રદ કરવાની દલીલ હાઈકોર્ટે ફગાવી હતી અને એવી ટકોર કરી હતી કે, પતિ-પત્ની વચ્ચે સમાધાનથી છુટાછેડા થઈ ગયા હોવાથી આરોપી સામેનો ગુનો માફ કરી શકાય નહીં. આ કેસમાં વર્ષ ૨૦૧૯માં વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશને ચાર વર્ષની બાળકીના પિતાએ પોતાની પત્ની અને સાસુ તેમજ સસરા સામે IPC અને POCSO એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. જેને રદ કરવા અગાઉ આરોપી પત્ની અને સાસુએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જેને હાઈકોર્ટે મંજૂર રાખી હતી. જોકે, સસરાએ કરેલી અરજી પરત ખેંચી હતી. હાઈકોર્ટે સસરાને ફરી અરજી કરવાની સ્વતંત્રતા આપી નહોતી ત્યારે ફરિયાદના પાંચ વર્ષ પછી જાતે ફરિયાદી પિતાએ તેના સસરા વિરુદ્ધ કરેલી ફરિયાદ અને ત્યારબાદ શરૂ થયેલી કાયદાકીય પ્રક્રિયા રદ કરવા અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. આ કેસની વિગત એવી છે કે, અરજદારના આક્ષેપ મુજબ તેની પત્ની એક કરતા વધુ લગ્નેતર સંબંધો ધરાવતી હતી. જેથી બંને વચ્ચે ઝઘડો થતા તે તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી.

તેમના બે સંતાનો આઠ વર્ષીય પુત્ર અને ચાર વર્ષીય પુત્રીને પણ તે સાથે લેતી ગઈ હતી. પુત્રના જન્મદિને પતિ બાળકોને મળવા પત્નીના ઘરે ગયો ત્યારે તેના આઠ વર્ષના પુત્રે જણાવ્યું હતું કે, નાના તેની ચાર વર્ષની બહેનને ગુપ્તાંગો પર અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા. જ્યારે તેણે વિરોધ કર્યાે તો નાનાએ તેને માર મારીને ધમકાવી હતી. આથી અરજદારે વર્ષ ૨૦૧૯માં પત્ની, સાસુ અને સાસરા સામે વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે ફરિયાદી પિતાએ જ નાના સામેની ફરિયાદ રદ કરવા અરજી કરી હોવાથી હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, કાનૂની પ્રક્રિયા રદ કરવાની અરજી આરોપી નહીં, પરંતુ ફરિયાદી દ્વારા થઈ છે.

બાળકીનું તેના જ નાના દ્વારા છેડતી કરાયાની ફરિયાદ છે. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચેના તકરારમાં સમાધાન આવતા ફરિયાદી જાતે ફરિયાદ રદ કરવા આ અરજી કરે છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદ સમયે પીડિતા ચાર વર્ષની હતી, હવે તે નવ વર્ષની થઈ ગઈ હશે જ્યારે બાળકીની માતા અને નાની સામે ફરિયાદ રદ થઈ ત્યારબાદ મુખ્ય આરોપીએ અરજી કરી હતી. તેમ છતાં કોર્ટે આરોપીને સમાનતાનો લાભ આપ્યો નહોતો. બાળકી સાથેનો ગુનો ગંભીર છે. પતિ અને પત્નીના છૂટાછેડાથી બાળકીના હિતનો મુદ્દો ગૌણ બની જતો નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.