Western Times News

Gujarati News

ચોરી કરતી રિક્ષા ગેંગનો ત્રાસ : બે બનાવમાં દોઢ લાખની મતા ચોરી ગયા

સરખેજ અને માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બહારગામથી આવતા લોકોને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડીને ચોરી કરતી ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે

અમદાવાદ,બહારગામથી આવતા લોકોને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડીને ચોરી કરતી ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. મૂળ રાજસ્થાનના ડીમ્પલબેન મારવાડી ૫ જૂને પરિવાર સાથે વતનમાં લગ્નપ્રસંગમાં જવા નીકળ્યા હતા. ડીમ્પલબેન અને તેમનો પરિવાર રિક્ષામાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યો. જ્યાં ટ્રેન સાબરમતીથી ઉપડવાની હોવાની જાણ થઇ હતી. જેથી કાલુપુર રેલવે સ્ટેશનથી શટલ રિક્ષામાં બેસીને સાબરમતી જવા નીકળ્યા હતા.

ત્યારે કમિશનર કચેરી પાસે રિક્ષાચાલકે અન્ય પેસેન્જરને ગલીમાં ઉતારીને આવું છું તેમ કહીને આ પરિવારને રોડ પર ઉતારીને ભાગી ગયો હતો. ડીમ્પલબેને તપાસ કરતા તેમના દાગીના અને રોકડા મળી ૧.૩૨ લાખની મતા ચોરી થઇ હતી. માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે પાટડીના પુષ્પાબેન સોમેશ્વરા તા.૨૨મીએ દીકરીને લઇને સાણંદ ચોકડી ખાતે બસમાંથી ઉતર્યા હતા. જ્યાંથી રિક્ષામાં બેસીને થલતેજ ખાતે રહેતા ભાઇના ઘરે જતા હતા. રિક્ષામાં અગાઉથી બે શખ્સો પેસેન્જરના સ્વાંગમાં સવાર હતા.

આ શખ્સોએ બેસતા નથી ફાવતુ થેલો પગ પાસે મૂકી દો તેમ કહીને પુષ્પાબેનને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા. બાદમાં રિક્ષાચાલકે રસ્તામાં તેમને ઉતારી દીધા અને ભાડું લીધા વગર નાસી ગયો હતો. પુષ્પાબેને તપાસ કરતા ૨૩ હજારની મતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.