પરાજય છતાં બુમરાહ અંગેના પ્લાનમાં કોઈ ફેરફાર નહીં થાયઃ ગંભીર

બીજી ઈનિંગ્સમાં ૧૯ ઓવર બોલિંગ કરવા છતાં એકેય વિકેટ લઈ શક્યો ન હતો
ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં બુમરાહ ત્રણ ટેસ્ટ જ રમશે અને તેમાં પરિવર્તનની શક્યતા નથી
લીડ્ઝ,ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતનો એક માત્ર લડાયક બોલર જસપ્રિત બુમરાહ પાંચમાંથી ત્રણ ટેસ્ટ રમવાનો છે અને આ મૂળ પ્લાનમાં પ્રથમ ટેસ્ટના પરાજય છતાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મંગળવારે રાત્રે પૂરી થયેલી મેચને અંતે ટીમના ચીફ કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું. હેડિંગ્લે ખાતે રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં જસપ્રિત બુમરાહ ભારતનો એક માત્ર એવો બોલર હતો જે ઇંગ્લેન્ડના બેટર્સ પર પડકાર આપી શકે તેમ હતો. જોકે મંગળવારે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ દરમિયાન બુમરાહ પણ ખાસ કાંઈ કરી શક્યો ન હતો અને ૧૯ ઓવર બોલિંગ કરવા છતાં એકેય વિકેટ લઈ શક્યો ન હતો.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ તે અગાઉથી જ વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે એવો નિર્ણય લેવાયો હતો કે બુમરાહ પાંચમાંથી ત્રણ જ ટેસ્ટ જ રમશે. ગંભીરના મતે હવે આ પ્લાનમાં કોઈ ફેરફાર કરાશે નહીં.મેચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગંભીરે જણાવ્યું હતું કે અમે આ પ્લાનમાં કોઈ પરિવર્તન કરવાના નથી. અમારા માટે તેનો (બુમરાહનો) વર્કલોડ મેનેજ કરવો વધારે મહત્વની બાબત છે કેમ કે આગળ જતાં ઘણું ક્રિકેટ રમવાનું બાકી છે અને અમે જાણીએ છીએ કે તે અમને આગળ લઈ જઈ શકે છે. અમે અહીં રમવા આવ્યા તે અગાઉથી જ નક્કી થઈ ગયું હતું કે બુમરાહ ત્રણ જ ટેસ્ટમાં રમશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વર્તમાન સિરીઝની બીજી ટેસ્ટ બીજી જુલાઈથી બ‹મગહામના એજબસ્ટન ખાતે રમાશે. જોકે બુમરાહ તેમાં રમશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ગંભીરે જણાવ્યું હતું કે જસપ્રિત બુમરાહ બાકી રહેલી ચારમાંથી કઈ બે ટેસ્ટ નહીં રમે તે અંગે હજી સુધી અમે નક્કી કર્યું નથી. તેણે ઉમેર્યું હતું કે બુમરાહનું શરીર કેવી રીતે સાથ આપશે અને તે કેટલી ક્ષમતા સાથે બોલિંગ કરી શકશે તે અંગે સમીક્ષા કર્યા બાદ અમે આ અંગે નિર્ણય લઈશું. અમે જ્યારે ટીમ પસંદ કરી ત્યારેભરોસા અને ફોર્મને આધારે કરી હતી અપેક્ષાને આધારે નહીં. મેં અગાઉ કહ્યું હતું તેમ અન્ય બોલર બિનઅનુભવી છે પરંતુ તેઓ દિવસે દિવસે બહેતર બનતા જાય છે. આ મેચમાં જોયું કે પ્રથમ ચાર દિવસ અને પાંચમા દિવસના કેટલાક સમય દરમિયાન અમે મેચમાં હતા અને અમારી પાસે પણ તક હતી. અમે પણ જીતી શકીએ તેમ હતા પરંતુ આ જ તો રિયલ ટેસ્ટ ક્રિકેટ છે.SS1