વસ્ત્રાલમાં મિક્સર ટ્રકની અડફેટે શિક્ષિકા ૨૦ ફૂટ ઢસડાતાં મોત

આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી
આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ભારે વાહન ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે
અમદાવાદ,શહેરમાં ભારે વાહનો બેફામ ગતિએ વાહન હંકારતા હોવાથી અનેક અકસ્માતોની ઘટના બને છે. પૂર્વ વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા ભારે વાહનોનો ત્રાસ વધી રહ્યો છે. તેવામાં વધુ એક વાર ભારે વાહનની અડફેટે આવેલી મહિલાનું મોત નિપજ્યું છે. વસ્ત્રાલના દેવસ્ય સ્ટેટસ પાસેથી એક્ટિવા સવાર શિક્ષિકા પસાર થતી હતી. ત્યારે મિક્સર ટ્રકના ચાલકે ટક્કર મારતા મહિલા શિક્ષિકા આશરે ૨૦ ફુટ ઢસડાઇ હતી અને ટાયર નીચે આવી જતા મોત નિપજ્યું હતું. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ભારે વાહન ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
નરોડામાં આવેલા મંગલતીર્થમાં રહેતા ૪૬ વર્ષીય સીમાબેન મિશ્રા વસ્ત્રાલની યુનાઇટેડ સ્કૂલમાં શિક્ષિકા હતા. ગત મંગળવારે સીમાબેન વસ્ત્રાલના દેવસ્ય સ્ટેટસ પાસે પહોંચતા મિક્સર ટ્રકના ચાલકે ટક્કર મારતા તે રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાતા જ સીમાબેન પરથી ટાયર ફરી વળતા ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરાતા પોલીસે રાજુ માલીવાડ નામના ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વેજલપુરમાં રહેતા ૬૫ વર્ષીય પુંજાભાઇ મકવાણા ગત તા.૨૫મીએ તેમના ભાઇ ભગવાનભાઇ સાથે ઓઢવ સંબંધીને મળવા જતા હતા. ત્યારે એસપી રિંગ રોડ પર કમોડ સર્કલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી તેમનું મોત નિપજ્યું હતું. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.SS1