બિલ્ડરને દસ્તાવેજ કરી ફલેટ સોંપવા રેરાનો આદેશ

રેરાએ જૂના પ્રમોટરો પૈકીના એકનું લેખિત બયાન લેતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું
(એજન્સી)ગાંધીનગર, બિલ્ડરો તેમના ચાલુ પેકેજ અધવચ્ચેથી અન્ય બિલ્ડરને વેચી નાંખે છે ત્યારે નવા પ્રમોટર બિલ્ડર એલોટીને કેવા હેરાન કરે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. રેરાએ આ કિસ્સામાં ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપી દાખલો બેસાડયો છે.
સુરતમાં મજૂરા વિસ્તારમાં મોજે રૂંઢ ખાતે વિપીન જરીવાલા, હિતેશ જરીવાલા અને કાંતિલાલ શાહ નામના ત્રણ ભાગીદાર બિલ્ડરોએ સંભવ કોર્પોરેશન નામની પેઢી બનાવી જશ પેલેસ નામક રહેણાંકની સ્કીમ મૂકી હતી.
જે પ્રોજેકટ નવેમ્બર ર૦૧૭માં શરૂ થયો હતો અને નવેમ્બર ર૦રરમાં પૂર્ણ થવાનો હતો. સંભવ કોર્પોરેશનના એક કર્મચારીએ પોતાના અને તેમની પત્નીના નામે આ સ્કીમમાં રૂ.૮૮ લાખ ૬પ હજારની કિંમતનો એક ફલેટ બુક કરાવ્યો હતો. આ કર્મચારીને તેના મહેનતાણા પેટે રૂ.પ૬ લાખ ૬પ હજાર લેવાના થતાં હતા. આ રકમ સંભવ કોર્પોરેશને ફલેટની કિંમતમાં મજરે ગણી લેવાનું નક્કી કરી કર્મચારીને એલોટમેન્ટ લેટર આપ્યો હતો.
એ પછી કર્મચારીએ સંભવ કોર્પોરેશનને રૂ.૧૬ લાખનું ચૂકવણું કર્યું હતું અને બાકીના રૂ.૧૬ લાખ વેચાણ દસ્તાવેજ કરી આપતી વખતે ચૂકવવાના નક્કી થયું હતું. દરમિયાન ર૦ર૦માં સંભવ કોર્પોરેશને જશ પેલેસ સ્કીમ સંભવ કોર્પોરેશનના ભાગીદાર કાંતિલાલના પુત્ર ભાવિનકુમાર શાહ અને પુત્રવધૂ પાયલ ભાવિનકુમાર શાહને વેચી દીધી હતી.
આ નવા પ્રમોટરોની પેઢી શિલ્પી કોર્પોરેશને જશ પેલેસનું નામ બદલીને સ્ટેલર બ્લિસ કર્યું હતું અને આ નવા પ્રમોટરો પહેલાં કર્મચારીને વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હતા. પરિણામે કર્મચારીએ આ મામલે રેરામાં ઘા નાંખી હતી. નવા પ્રમોટરોએ રેરા સમક્ષ પણ એવી દલીલ કરી હતી કે, કર્મચારીને એલોટમેન્ટ લેટર શિલ્પી કોર્પોરેશનને સંભવ કોર્પોરેશન સાથે કોઈ લેવા દેવા નથી.
જો કે, સંભવ કોર્પોરેશનના એક ભાગીદાર વિપીન જરીવાલાએ રેરા સમક્ષ લેખિતમાં કબૂલ્યું હતું કે, ફરિયાદી પાસેથી બાકી રૂ.૧૬ લાખ વસૂલી નવા પ્રમોટરોએ તેમને વેચાણ દસ્તાવેજ કરી આપવાનો થાય છે. પરિણામે રેરાએ ફરિયાદી બાકીના અવેજ પેટે રૂ.૧૬ લાખ ચૂકવે એ પછી બાકીની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.