કડીમાં ચાર કલાકમાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર

વિવિધ માર્ગાે પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થયો
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહી
મહેસાણા,હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં અપાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે રવિવારે મહેસાણાના કડીમાં બપોરે ૧૨થી ૪ વાગ્યા દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતા. ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં છેલ્લા કેટલાક વર્ષાે કરતાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ વધુ વરસાદની આગાહી વચ્ચે રવિવારે બપોરે કડી શહેરમાં બે કલાકમાં જ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વિવિધ માર્ગાે પરના અન્ડરપાસ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા તેમજ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં હતાં.
બપોરે ૧૨થી ૨ વાગ્યા સુધી અઢી ઈંચ વરસાદ બાદ ૨થી ૪ વાગ્યા દરમિયાન વધુ એક ઈંચ વરસાદ ખાબક્યો હોઈ સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અન્ડરપાસ તેમજ વિવિધ માર્ગાે પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ જવા ઉપરાંત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં કડી પંથકમાં ૯૧ મીમી ઉપરાંત જોટાણા પંથકમાં ૧૪ મીમી, વિજાપુરમાં ૧૩ મીમી, વિસનગર અને બેચરાજીમાં ૬ મીમી તેમજ સતલાસણામાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો.જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહી હતી.
ખેડબ્રહ્મા પંથકમાં વરસાદને કારણે કેટલાક ગામડાઓમાં મગફળીને નુકસાન થયું હતું. ઉત્તર ગુજરાતના અન્ય તાલુકાઓ ભિલોડા અને ધાનેરામાં ૧૯ મીમી વરસાદ વરસ્યો હતો જ્યારે દાંતામાં ૧૬, તલોદમાં ૧૫, મહેસાણામાં ૧૪, વિજાપુર-હિંમતનગરમાં ૧૩, અમીરગઢમાં ૧૨, ઇડરમાં ૧૧, પ્રાંતિજમાં ૧૦, મોડાસામાં ૮, વિજયનગર, સિદ્ધપુર, વિસનગર, બેચરાજી અને ધનસુરામાં ૬ મીમી, ખેડબ્રહ્મા-બાયડમાં ૫ મીમી, લાખણી-શંખેશ્વરમાં ૪, સતલાસણા, દાંતીવાડા, વડગામ, ભાભર અને સમીમાં ૩ મીમી, હારિજ, ડીસા, થરાદ, પાલનપુર અને માલપુરમાં ૨ મીમી જ્યારે દિયોદર, કાંકરેજ અને ચાણસ્મામાં ૧ મીમી વરસાદ વરસ્યો હતો. આણંદ જિલ્લા ડિઝાસ્ટર કચેરી પાસેથી મળેલી વિગત મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન તારાપુર તાલુકામાં ૨૯ મીમી, સોજિત્રામાં ૮ મીમી, ઉમરેઠમાં ૩ મીમી , આણંદમાં ૩૪ મીમી, પેટલાદમાં ૪૯ મીમી અને ખંભાતમાં ૫ મીમી જ્યારે બોરસદમાં ૨૧ અને આંકલાવમાં ૧૯ મીમી વરસાદ નોંધાયો છે. ss1