નિકોલમાં પાણી ઢોળવા બાબતે પાડોશી મહિલાને બચકા ભરી પરિવાર પર હુમલો

સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
આરોપી મહિલાના પરિવારના અન્ય સભ્યોએ ગોરખ પ્રસાદ અને તેની દીકરીને લોખંડની પાઈપના ફટકા મારીને હિચકારો હુમલો કરી દીધો હતો
અમદાવાદ,શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા પાડોશીઓ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય માથાકૂટ એટલી ઉગ્ર બની ગઈ કે પડોશમાં રહેતી મહિલા અને તેના પરિવારના આઠ સભ્યો ભેગા થઈને પાડોશી અને તેના પરિવારના સભ્યો પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યાે હતો. તદુપરાંત મહિલાને બચકા ભરી લીધા હતા. આ મામલે આઠ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
નિકોલની ગોવિંદભાઈ ચાલીમાં રહેતા ગોરખ પ્રસાદ(૪૫) ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. ગત શુક્રવારના રાતના સમયે જમી પરવારીને પરિવારના સભ્યો ઘરમાં બેઠા હતા. આ સમયે પાડોશમાં રહેતી મિન્ટુ ગુપ્તાએ ગોરખ પ્રસાદના ઘર પાસે પાણીનો ડોલ ભરીને રેડી હતી. આ જોતા તેમણે વિરોધ ઉઠાવ્યો અને પાણી અહીંયા કેમ નાખો છો કહીને મહિલાને ઠપકો આપ્યો હતો. બસ આટલી સામાન્ય બાબતમાં મિન્ટુબહેન ગુસ્સે ભરાયા અને ગાળો બોલવા લાગ્યા હતા.
માથાકૂટ થતા ગોરખ પ્રસાદની પત્ની બહાર આવીને પાડોશી મહિલાને સમજાવતા મામલો વધુ ગરમાયો અને બાદમાં પાડોશી મહિલાના પતિ સહિત આઠ લોકો ભેગા થઇ ગયા અને ગોરખ પ્રસાદના પરિવાર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જોતજોતામાં મહિલા આરોપી મિન્ટુ ગુપ્તાએ ગોરખ પ્રાસાદની પત્નીને જાંઘ પર બચકા ભરી લીધા હતા. આરોપી મહિલાના પરિવારના અન્ય સભ્યોએ ગોરખ પ્રસાદ અને તેની દીકરીને લોખંડની પાઈપના ફટકા મારીને હિચકારો હુમલો કરી દીધો હતો.
બૂમાબૂમ થતા આસપાસના પાડોશીઓ ભેગા થઇ ગયા અને મામલો થાળે પડાવ્યો હતો. ત્યારબાદ ગોરખ પ્રસાદ અને તેના પરિવારના સભ્યો ૧૦૮ની મદદથી હોસ્પિટલ પહોંચ્યા અને સારવાર લીધા બાદ આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં રાજકુમાર ગુપ્તા, મિન્ટુ ગુપ્તા, ગોપાલ ગુપ્તા, અમિત ગુપ્તા, આકાશ, અવિનાશ, શિવમ, સંજન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ss1