Western Times News

Gujarati News

અમેરિકા સાથે ભારત શરતી સમજૂતી કરશે

ભારતમાં એગ્રીકલ્ચર અને ડેરી સેક્ટર માટે હજુ પણ નિશ્ચિત મર્યાદાઓ છે, જેના પર વિચારણા કરવાની જરૂર છે ઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ ભારતે જવાબ આપ્યો છે. ટ્રમ્પે અમેરિકા-ભારત વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ સમજૂતી થવાની હોવાની જાહેરાત કરી હતી, ત્યારે હવે આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, ‘હા, કેમ નહીં, અમે અમેરિકા સાથે સારી સમજૂતી કરવા ઈચ્છીશું. આ મામલે ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

ભારત અમેરિકા સાથે જરૂર સારી સમજૂતી કરવા ઈચ્છશે, પરંતુ તે માટે કેટલીક શરતો લાગુ થશે. ભારતમાં એગ્રીકલ્ચર અને ડેયરી સેક્ટર માટે હજુ પણ નિશ્ચિત મર્યાદાઓ છે, જેના પર વિચારણા કરવાની જરૂર છે.’

ટ્રમ્પે રવિવારે (૨૯ જૂન) સંકેત આપ્યા છે કે, ટૂંક સમયમાં જ ભારત સહિત કેટલાક દેશો સાથે ટ્રેડ ડીલ થવાની શક્્યતા છે. ટ્રમ્પે કહ્યું કે, તેમણે ૯ જુલાઈની ટ્રેડ ડેડલાઈનને વધારવાની જરૂર નથી. આ ડેડલાઈન તે દેશો માટે નક્કી કરાઈ છે જે અમેરિકા સાથે નવી ટ્રેડ ડીલ કરવા ઇચ્છે છે તેથી વધારે ટેરિફથી બચી શકાય. તેમણે ભારત સાથે ટ્રેડ ડીલ પર પણ કહ્યું કે, આ ખૂબ જ જલ્દી થઈ શકે છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, ‘મને નથી લાગતું કે મારે ડેડલાઈનને વધારવાની જરૂર પડશે. જો ઈચ્છીએ તો વધારી શકીએ છીએ, કોઈ મોટી વાત નથી.’

નાણામંત્રીએ અમેરિકા સાથે ટ્રેડ ડેલ કેમ જરૂરી છે, તે અંગે પણ નિવેદન આપ્યું છે. તેમણે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘આપણે જે સ્થિતિ પર છીએ અને જે પ્રમાણે આપણું લક્ષ્યાંક છે, તે મુજબ આપણે જેટલું વહેલું મજબૂત અર્થવ્યવસ્થાઓ સાથે સમજૂતી કરીશું, તેટલું આપણા માટે સારી વાત છે.’

ટ્રમ્પના જણાવ્યા મુજબ, ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલમાં આવી રહેલી અડચણો ટૂંક સમયમાં દૂર થઈ જશે. સમજૂતીમાં આઈટી, મેન્યુફેક્ચરિંગ, સર્વિસિઝ, ઓટોમોબાઈલ સેક્ટર સામેલ હોઈ શકે છે. આમ તો બંને દેશો વચ્ચેની ટ્રેડ ડીલ અંગે સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ ટૂંક સમયમાં માહિતી સામે આવી જશે.
સૂત્રના જણાવ્યા મુજબ, અમેરિકા અને ભારત વચ્ચે મુખ્યત્વે કૃષિ, ઓટોમોબાઈલ, ઔદ્યોગિક ઉત્પાદનો અને શ્રમજીવી પ્રોડક્ટ્‌સ સહિતના ક્ષેત્રો પર ડીલ થશે.

અમેરિકાને કૃષિ અને ડેરી પ્રોડક્ટ્‌સમાં ડ્યૂટીમાં રાહત આપવાથી ભારત માટે પડકારો ઉભા થયા છે. ભારતે મુક્ત વેપાર કરારમાં ડેરી ક્ષેત્રે અત્યારસુધી કોઈ કરાર કર્યા નથી. જેથી આ ક્ષેત્રે મહત્ત્વના નિર્ણય લેવાઈ શકે છે. આ સિવાય અમેરિકા ઔદ્યોગિક ઉત્પાદનો, ઓટોમોબાઈલ્સ ખાસ કરીને ઈલેક્ટિÙક વાહનો, વાઈન, પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્‌સ, ડેરી, અને કૃષિ પ્રોડક્ટ્‌સ પર ડ્યુટીમાં રાહતની ઈચ્છા ધરાવે છે. જ્યારે ભારતે ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, લેધર ગુડ્‌સ, કપડાં, પ્લાસ્ટિક, કેમિકલ્સ, તેલિબિયાં સહિતની પ્રોડક્ટ્‌સ પર ડ્યુટીમાં રાહતની માગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.