અમેરિકામાં ૧૧.૮ મિલિયન લોકો હેલ્થ ઈન્સ્યોરન્સથી વંચિત રહેવાની ભીતિ

યુએસ સેનેટમાં વિપક્ષોના વિરોધ વચ્ચે ટ્રમ્પનું બિલ મંજૂર
(એજન્સી)વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઘર આંગણે મોટી સફળતા મળી છે. રિપબ્લિકનની બહુમતી ધરાવતી સેનેટમાં ભારે હોબાળા બાદ આખરે ટ્રમ્પે રજૂ કરેલું કર રાહત અને ખર્ચ કપાતનું બિલ મંજૂર થયું છે. મંજૂર થયેલા બિલમાં ડીપોર્ટેશન માટેના નાણામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
સેનેટમાં વિપક્ષ ડેમોક્રેટ્સના ૪૭ સેનેટર્સે બિલના વિરોધમાં મત આપ્યો હતો. ડેમોક્રેટ સાંસદો શરૂઆતથી આ બિલનો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. સેનેટમાં ચર્ચા દરમિયાન તોફાની માહોલ સર્જાતા વાઈસ પ્રેસિડેન્ટ જે ડી વેન્સે સુકાન સંભાળ્યું હતું અને સેનેટર્સ સાથે સફળ વાટાઘાટો બાદ આ બિલને ૫૧ વિરુદ્ધ ૪૯ મતે મંજૂરી મળી હતી.
ટ્રમ્પની પાર્ટીના જ બે સાંસદોએ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. યુએસ સેનેટમાં શનિવારે મોડી રાત સુધી પ્રસ્તાવિત બિલ અંગે ચર્ચા ચાલી હતી. ત્રણ કલાક સુધી મતદાન અટવાઈ ગયું હતું અને વિરોધ કરનારા સેનેટર્સ પ્રસ્તાવિત બિલમાં સુધારા કરાવવા માગતા હતા. આખરે કેટલાક સેનેટર્સ સાથે વ્યક્તિગત ચર્ચાઓ બાદ મડાગાંઠ ઉકેલાઈ હતી.
જે ડી વેન્સના પ્રયાસોના પગલે ટ્રમ્પને સેનેટમાં મહત્ત્વનો વિજય મળ્યો હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમે સેનેટમાં બહુ મોટો વિજય મેળવ્યો છે. ટ્રમ્પના આ પગલાથી વર્ષ ૨૦૩૪ સુધી અમેરિકામાં ૧૧.૮ મિલિયન લોકો હેલ્થ ઈન્સ્યોરન્સથી વંચિત રહેવાની ભીતિ છે. ડેમોક્રેટ સાંસદોના વિરોધ ઉપરાંત ટ્રમ્પના એક સમયના વિશ્વાસુ સાથીદાર અને હવે વિરોધી બનેલા મસ્કે પણ નવા બિલને વિનાશકારી તથા બુદ્ધિ વગરનું ગણાવ્યું હતું.