BJPના ધારાસભ્યના પુત્રને PM આવાસ યોજનાનો લાભ મળતા વિવાદ

જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હોવાનો RTI અરજીમાં ખુલાસો
(એજન્સી)જામનગર, ગરીબી રેખા આવતા અને આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા પરિવારોને પોતાનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. ઘણી વખત પીએમ આવાસ યોજનાને લઈને છબરડા સામે આવતા હોય છે, ત્યારે જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હોવાનો આરટીઆઈ (માહિતી અધિકાર) અરજીમાં ખુલાસો થયો છે.
ધારાસભ્યના પુત્રને પીએમ આવાસ યોજનાનો લાભ મળતા વિવાદ સર્જાયો છે અને જામનગરમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે સમગ્ર મામલે ધારાસભ્યએ વાત સ્વીકારી છે. ધારાસભ્યના પુત્રએ લાભ મેળવ્યો હોવાના પુરાવા પણ સામે આવ્યા છે.
આરટીઆઈની માહિતી મુજબ, ધ્રોલના ૭૬-કાલાવડ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત દ્વારા ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી સહાય મેળવીને પોતાનું મકાન બાંધવાનું કામ પણ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાએ ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને વિવાદમાં લાવી દીધો છે અને ‘કયા નિયમો અનુસાર આ લાભ લેવામાં આવ્યો છે?’ તેવા અનેક સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોહિત ચાવડા એક લક્ઝુરિયસ જીવનશૈલી જીવે છે, ત્યારે તેમણે ગરીબો અને મધ્યમ વર્ગ માટેની આવાસ યોજનાનો લાભ લેતા અનેક ભ્રમણાઓ અને પ્રશ્નાર્થ ઊભા થયા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો અનુસાર, આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબમાં કોઈપણ સભ્ય ભારતભરમાં કોઈપણ જગ્યાએ પોતાની માલિકીનું પાક્કું મકાન ધરાવતો ન હોવો જોઈએ.
આ ઉપરાંત, વાર્ષિક આવક મર્યાદા રૂ.૩ લાખ નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારે એક ધારાસભ્યના પુત્ર દ્વારા આ યોજનાનો લાભ કયા આધાર પર લેવામાં આવ્યો તે મોટો પ્રશ્ન છે. સામાન્ય ગરીબ લોકોને આવાસ યોજનામાં લાભ લેવા માટે અનેક દસ્તાવેજો રજૂ કરવા પડે છે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, ત્યારે ‘શું ધારાસભ્યના પુત્રને આવાસમાં લાભ લેવા માટે કોઈ નીતિ-નિયમો લાગુ પડતા નથી?’ તેવો સવાલ આમ જનતામાં ઉઠી રહ્યા છે.